
Una Primary School: શિક્ષકને સમાજમાં વિદ્યાર્થીઓ માટે આદર્શ માનવામાં આવે છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની એક પ્રાથમિક શાળામાં સામે આવેલા આક્ષેપોએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને સવાલો હેઠળ મૂકી છે. ખાપટ પ્રાથમિક શાળાના એક શિક્ષક પર ધોરણ-7ના સગીર વિદ્યાર્થી પાસે રૂપિયા આપીને દારૂ મંગાવ્યાનો ગંભીર આક્ષેપ થયો છે. સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ શાળાના આચાર્ય દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવતા શિક્ષણ વિભાગે મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીને દારૂ લાવવા મોકલ્યાનો આક્ષેપ
આચાર્યની રજૂઆત મુજબ, 20 જૂનના રોજ તેમને માહિતી મળી હતી કે શાળાના એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રૂપિયા 500 આપીને ગામમાંથી દારૂ લાવવા મોકલ્યો હતો. માહિતીની ખાતરી કરવા માટે વિદ્યાર્થી સાથે વિશ્વાસમાં વાતચીત કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીએ સ્વીકાર્યું હતું કે તે અગાઉ પણ અનેક વખત શિક્ષક માટે દારૂ લાવી ચૂક્યો છે અને શિક્ષક દ્વારા આપવામાં આવેલા પૈસાથી જ દારૂ ખરીદતો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને શાળાના અન્ય શિક્ષકોની હાજરીમાં પંચરોજકામ તૈયાર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂની બોટલ તેમજ શિક્ષકે આપેલા પૈસામાંથી બચેલી રૂ. 230ની રકમ સીલબંધી કરીને શાળાના કબાટમાં સુરક્ષિત રાખવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવાના આક્ષેપ
ફરિયાદમાં શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી સામે અગાઉથી જ દારૂના સેવનની આદત હોવાના અને નશાની હાલતમાં શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવવાના આક્ષેપોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્યે અગાઉ પણ અનેક વખત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆતો કરી હોવાનું જણાવાયું છે. ગત 4 માર્ચે પણ શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવ્યા હોવાની રજૂઆત કરાઈ હતી, છતાં અસરકારક કાર્યવાહી ન થતાં હવે વધુ ગંભીર ફરિયાદ સામે આવી હોવાનું કહેવામાં આવ્યું છે.

વિદ્યાર્થીના નિવેદનથી વધ્યો મામલો
ફરિયાદ મુજબ, દારૂ લાવતો વિદ્યાર્થી માછીમાર પરિવારનો છે. બાળકના માતા-પિતાને તેમના દીકરાનો આ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની કોઈ જાણ કરવામાં આવી નહોતી. બાળક સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હોવાનું ફરિયાદમાં લખાયું છે કે શિક્ષક તેને પૈસા આપીને ગામની એક દુકાનેથી દારૂ લાવવા મોકલતા હતા અને તે દારૂ લાવી શિક્ષકને આપતો હતો. બાળકના આક્ષેપ પ્રમાણે શિક્ષક શાળામાં જ દારૂનું સેવન પણ કરતા હતા. જોકે, આ તમામ દાવાઓ આચાર્યની ફરિયાદ અને વિદ્યાર્થીના નિવેદન પર આધારિત છે. સંબંધિત શિક્ષકનો પક્ષ હજુ સુધી જાહેર થયો નથી.

પોલીસને અરજી, વિભાગીય તપાસ શરૂ
ઉના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરેશ વાઘેલાએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આચાર્યે વિદ્યાર્થીને શાળાના પ્રવેશદ્વાર પાસે રોકીને પૂછપરછ કરી હતી, જેમાં બાળકની કબૂલાત અને સીસીટીવી ફૂટેજ સહિતના કેટલાક પુરાવા સામે આવ્યા હતા.

આચાર્યની લેખિત રજૂઆતના આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે અને સમગ્ર અહેવાલ પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવામાં આવ્યો છે. શિક્ષક સામે અગાઉ પણ દારૂના સેવન સંબંધિત બે વખત શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. હાલ તેમની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે અને 13 જુલાઈના રોજ રૂબરૂ સુનાવણી નિર્ધારિત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગની કાર્યવાહી પર સૌની નજર
આ સમગ્ર ઘટનાએ વાલીઓ તેમજ શિક્ષણજગતમાં ચિંતા ઊભી કરી છે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતા શિક્ષક સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો સામે આવતા હવે વિભાગીય તપાસમાં શું હકીકતો બહાર આવે છે અને સંબંધિત શિક્ષક સામે કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: લગ્ન બાદ પણ ચાલુ રહ્યો જૂનો સંબંધ? અમૃતા મોત કેસમાં BDO અને ASIની મુશ્કેલી વધી












