સુરતના ખખડધજ રસ્તાઓ પર રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનો આક્રોશ: વીડિયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ

Govind Dholakia Surat Bad Roads Video: સુરતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ પરિસ્થિતિ હવે માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી, પરંતુ ખખડધજ રસ્તાઓથી રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ ત્રસ્ત થયા છે. 19 જુલાઈના રોજ ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડિયો બનાવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વીડિયો વાયરલ થવાનું રહસ્ય
વીડિયો વાયરલ થયા બાદ ચારેકોરથી ઘેરાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત સચિવ ભાવેશભાઈએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ વીડિયો રવિવારનો જ છે. ગોવિંદકાકાએ આ વીડિયો માત્ર સુરતની સ્થિતિમાં સુધારો આવે અને તંત્ર જાગે તે હેતુથી જ મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને અંગત રીતે મોકલ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં કઈ રીતે વાયરલ થયો તેની તેમને કોઈ જાણકારી નથી.
હીરા બુર્સ નજીકના રોડની ગંભીર હાલતથી ઉદ્યોગકારોમાં રોષ
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ડાયમંડ યુનિટ્સ અને હીરા બુર્સ સુરતની વૈશ્વિક ઓળખ છે. ધોળકિયા પરિવારનું પણ આ વિસ્તારમાં વિશાળ ડાયમંડ યુનિટ આવેલું છે. આટલા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં અને એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર જ ખાડા, કાદવ અને બિસ્માર રોડ હોવાથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવતા વેપારીઓ સામે પણ સુરતની છબી ખરડાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તંત્રના વાંકે શાસક પક્ષના નેતાઓ બેકફૂટ પર
સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભૂકંપ આવ્યો છે. એક તરફ મનપા સ્માર્ટ સિટીના દાવા કરે છે અને બીજી તરફ સાંસદ કક્ષાના નેતાઓને પણ રોડ-રસ્તાના કારણે વીડિયો બનાવી વિરોધ દર્શાવવો પડે છે. હાલ આ મુદ્દો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
NHAI અને GWSSB પત્રવ્યવહારમાં વ્યસ્ત
રોડ વિભાગના અધિકારી મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે, આ રસ્તાનો ભાગ NHAI હેઠળ આવે છે અને તેના સમારકામ માટે NHAI તથા GWSSB વચ્ચે પત્રવ્યવહાર થયો છે. પરંતુ સુરક્ષાના દ્રષ્ટિકોણથી તંત્ર દ્વારા 20 જુલાઈના રોજ સરફેસ પ્રિપેરેશન કરી દેવામાં આવ્યું છે. સંબંધિત અધિકારીઓએ પરસ્પર વાતચીત કરીને જરૂરી ખાતરી કરી લીધી છે, પરંતુ વાસ્તવિક સુધારાની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: નવસારી મનપા કચેરીમાં બારીનો સ્લેબ તૂટી પડ્યો, નીચેની દુકાનના શેડને નુકસાન; મોટી દુર્ઘટના ટળી












