Crime News: સુરતમાં પિતાએ જ દીકરીને બનાવી વિધવા, જમાઈને ચપ્પુના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ

સુરત, તા. 22 નવેમ્બર, 2025: શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ પરની નહેરુનગર ઝૂંપડપટ્ટી ખાતે શુક્રવારે સાંજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના અને પૈસાની માંગણી કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું. પોલીસે હત્યાના આરોપી સસરા નજીઉલ્લા મુસ્તાકીમ શાહની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી. પિતાએ જ પુત્રીને વિધવા બનાવાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બનાવની વિગત મુજબ, તારીખ 21/11/2025ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં ભરીમાતા રોડ, ફુલવાડી, નહેરુનગર ઝૂંપડપટ્ટી, મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની બનાવ બન્યો હતો. હત્યાનો ભોગ બનનાર યુવકનું નામ સલમાન રફીક અહેમદ શાહ (ઉં.વ-23) હતું, જ્યારે હત્યાનો આરોપ તેના સસરા નજીઉલ્લા મુસ્તાકીમ શાહ (રહે- નહેરુનગર ઝૂંપડપટ્ટી, સુરત) પર મૂકવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સસરા નજીઉલ્લા શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. જમાઈ સલમાન તેની પત્ની (નજીઉલ્લાની પુત્રી) સાથે વારંવાર ઝઘડો કરતો હતો. સલમાન શાહ કોઈ કમાણી કરતો ન હોવાથી તે વારંવાર પોતાની પત્ની પાસે પૈસાની માગણી કરતો હતો અને પૈસા માટે પત્નીને તેના પિતા નજીઉલ્લા પાસેથી પૈસા લાવવા માટે કહેતો હતો. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોવાથી સસરા નજીઉલ્લા પણ ભારે અકળાયેલા રહેતા હતા.
આરોપી સસરા નજીઉલ્લા શાહે જમાઈ સલમાનને ઠપકો આપ્યો હતો કે કેમ મારી દીકરી સાથે ઝઘડો કર્યા કરે છે?” આ વાતચીત દરમિયાન મામલો ગરમાયો અને ગુસ્સામાં આવી જઈ સસરા નજીઉલ્લાએ તેની પાસે રહેલા ચપ્પુ વડે જમાઈ સલમાનના છાતીના ડાબા ભાગે ગંભીર ઘાવ માર્યો હતો. ચપ્પુના ઘાને કારણે સલમાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.












