સુરતમાં માતાએ બંને દીકરીને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, ઘરકંકાસમાં હીચકારી પગલું ભર્યું

સુરત, 16 એપ્રિલ 2026: સુરત શહેરમાં પારિવારિક ઘરકંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડભોલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ માતા અને બંને પુત્રીઓ સ્મીમેર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પતિ કારખાને ગયા અને બાદમાં ખેલ ખેલાયો
મળતી માહિતી પ્રમાણે, સુરતના ડભોલી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા મનસુખભાઈ (નામ બદલેલ છે) બુધવારે બપોરે ઘરે જમવા આવ્યા હતા. પત્ની અને બાળકો સાથે ખુશી-ખુશી જમ્યા બાદ તેઓ પરત કારખાને ગયા હતા. જોકે, તેમના ગયા બાદ કીર્તિબેને (નામ બદલેલ છે) ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પી લીધી હતી.
ઝેર ગટગટાવ્યા બાદ કીર્તિબેને પતિને ફોન કરીને ચોંકાવનારી જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારે હવે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈને જાણ કરી ઘરે દોડવા કહ્યું હતું. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં માતા ICUમાં અને બંને બાળકીઓ PICU વોર્ડમાં દાખલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કહેવાય છે કે, પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી રસોઈ બનાવવા બાબતે કે જમવા બાબતે તેમજ અન્ય નાની-મોટી ઘરગથ્થુ બાબતોમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલ સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: યુદ્ધ રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આ 10 શરતો મૂકી, છેલ્લો મોકો અને ફાઈનલ ઓફર











