સરપંચની ચૂંટણીમાં 43 ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી ચિહ્નો ખૂટ્યા, 4 ફૂટ લાંબું બેલેટ પેપર વાયરલ

Rajasthan Sarpanch Election : સોશિયલ મીડિયા પર એક ગ્રામ પંચાયતની ચૂંટણીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંદાજે 4 ફૂટ લાંબું બેલેટ પેપર (મતપત્ર) જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મતપત્ર પર ઉમેદવારોના નામ અને ચૂંટણી ચિહ્નોની લાંબી કતાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ વીડિયોમાં એક અત્યંત લાંબું બેલેટ પેપર ફેલાવીને બતાવવામાં આવ્યું છે. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ વિચારમાં પડી ગયા છે કે આખરે એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આટલું લાંબું મતપત્ર કેમ તૈયાર કરવું પડ્યું? વીડિયો સામે આવ્યા બાદ આ ચૂંટણી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
43 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી ચિહ્નો ખૂટી પડ્યા
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો રાજસ્થાનના સવાઈ માધોપુર પંચાયત સમિતિની સુરવાલ ગ્રામ પંચાયતનો છે. અહીં સરપંચ પદ માટે 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શરૂઆતમાં 55 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મની ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 43 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાની અસર ચૂંટણી ચિહ્નો પર પણ પડી હતી. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, નિર્ધારિત ચૂંટણી ચિહ્નો તમામ ઉમેદવારો માટે પૂરતા નહોતા. ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ પાસેથી વિશેષ પરવાનગી લઈને વધારાના ચૂંટણી ચિહ્નો ફાળવવામાં આવ્યા. જેમાં બેન્ચ, ઓશીકું (તકિયો) અને હોડી જેવા ચિહ્નોનો પણ સમાવેશ થાય છે.
મતપત્ર પર NOTA સહિત કુલ 44 વિકલ્પ
વાયરલ વીડિયોમાં દેખાતા લાંબા બેલેટ પેપર પર 43 ઉમેદવારોની સાથે મતદારો સામે NOTA નો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. એટલે કે મતપત્ર પર કુલ 44 વિકલ્પ છે. સ્થાનિક અહેવાલોમાં આ મતપત્રની લંબાઈ અંદાજે 4 ફૂટ જણાવવામાં આવી છે, જોકે અન્ય એક સ્થાનિક રિપોર્ટમાં તેની લંબાઈ લગભગ 7 ફૂટ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ દૂધ-દહીં બાદ અમૂલે વધુ એક ઝટકો આપ્યો, છાશની થેલીમાં ભાવ ન વધાર્યા અને જથ્થો ઘટાડી દીધો
વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા
સુરવાલ ગ્રામ પંચાયતમાં અંદાજે 6,566 મતદારો નોંધાયેલા છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાના કારણે મતદાન પ્રક્રિયાને સરળતાથી પાર પાડવા માટે વહીવટીતંત્ર દ્વારા વધારાના મતદાન કર્મચારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
એક જ સરપંચ પદ માટે 43 ઉમેદવારો મેદાનમાં હોવાથી આ ચૂંટણી સમગ્ર વિસ્તારમાં ખાસ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બેલેટ પેપરના વીડિયોએ લોકોની ઉત્સુકતા વધારી દીધી છે. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે 43 ઉમેદવારો વચ્ચે મતોનું વિભાજન કેવી રીતે થાય છે અને જનતા કોના માથે સરપંચનો તાજ પહેરાવે છે.
આ પણ વાંચોઃ છૂટક ફુગાવા બાદ જથ્થાબંધ ફુગાવાએ આપ્યો ઝટકો! શું તમારું ખિસ્સું થશે વધુ હળવું?











