ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

2032થી 2035 વચ્ચે ભારતને મળી શકે ICC ટૂર્નામેન્ટની યજમાની

ICC World Cup: ક્રિકેટની લોકપ્રિયતા અને તેનાથી થતી કમાણી (રેવન્યુ)ને ધ્યાનમાં રાખીને ભારતને ફરી એકવાર ICCના મોટા ટૂર્નામેન્ટની યજમાની કરવાની તક મળી શકે છે. વર્ષ 2032થી 2035 દરમિયાન યોજાનારી ICCની સ્પર્ધાઓમાંથી કેટલીક ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થઈ શકે છે. જોકે, આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પહેલાં યજમાની મેળવવા માટે બોલી લગાવવી પડશે. ICCએ સ્પષ્ટ કર્યું છે કે આગામી ગ્લોબલ સાયકલની ટૂર્નામેન્ટની યજમાની માટે સભ્ય દેશો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવશે.

ભારત કેટલીક ટૂર્નામેન્ટ માટે રજૂ કરી શકે છે દાવેદારી

15 નવેમ્બરના રોજ બાલીમાં યોજાયેલી ICCની બેઠકમાં વર્ષ 2032થી 2035 દરમિયાન યોજાનારી છ મોટી ટૂર્નામેન્ટના આયોજનનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં 2032 અને 2034ના બે T20 વર્લ્ડ કપ, 2033ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2035નો ODI વર્લ્ડ કપ સામેલ છે. આમાંથી ત્રણ ટૂર્નામેન્ટનો સમય ભારતમાં આયોજન માટે અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. તેથી ભારત કેટલીક સ્પર્ધાઓની યજમાની માટે દાવેદારી નોંધાવી શકે છે.

હાલના સાયકલમાં પણ ભારતને ICCની બે મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. ભારત વર્ષ 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031માં ODI વર્લ્ડ કપનું આયોજન કરશે. જોકે, 2032થી 2035ના આગામી સાયકલ માટે ICCએ હજુ સુધી કોઈ યજમાન દેશનું નામ જાહેર કર્યું નથી. આ માટે સભ્ય ક્રિકેટ બોર્ડ પાસેથી અગાઉની જેમ બોલી મંગાવવામાં આવશે. હવે BCCI નક્કી કરશે કે તે કઈ ટૂર્નામેન્ટની યજમાની મેળવવા માટે રસ દાખવે છે.

આ પણ વાંચો:બદ્રીનાથ ધામમાં અનોખી પરંપરા! કપાટ બંધ કરતા પહેલા મુખ્ય પુજારી કેમ ધારણ કરે છે સ્ત્રીનો વેશ?  

આ તારીખોએ યોજાશે ICCની મોટી ટૂર્નામેન્ટ

આગામી સાયકલની મુખ્ય ટૂર્નામેન્ટની તારીખો પણ નક્કી કરવામાં આવી છે. 2032નો T20 વર્લ્ડ કપ 14 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે. જ્યારે 2033ની ચેમ્પિયન્સ ટ્રોફી 2થી 23 ઓક્ટોબર વચ્ચે યોજાશે. બીજી તરફ, 2035નો ODI વર્લ્ડ કપ 2 ઓક્ટોબરથી 18 નવેમ્બર દરમિયાન રમાશે. આ ત્રણેય ટૂર્નામેન્ટનો સમય ભારતમાં આયોજનની દૃષ્ટિએ અનુકૂળ માનવામાં આવે છે. બાલીમાં યોજાયેલી બેઠકમાં હાજર ICCના એક સભ્યએ જણાવ્યું હતું કે બોલી લગાવવી કે નહીં તેનો નિર્ણય BCCIએ લેવાનો રહેશે. જ્યારે ભારતમાં કોઈ મોટી સ્પર્ધાનું આયોજન થાય છે ત્યારે ICCને પણ તેમાંથી સારી આવક થાય છે.

જોકે, 2035ના ODI વર્લ્ડ કપની યજમાની મેળવવી ભારત માટે સરળ નહીં હોય. તેનું કારણ એ છે કે ભારતે 2031નો વર્લ્ડ કપ બાંગ્લાદેશ સાથે મળીને યોજવાનો છે. આવી સ્થિતિમાં સતત બે ODI વર્લ્ડ કપ એક જ દેશમાં યોજાય તેવી શક્યતા ઓછી માનવામાં આવે છે. જોકે, ક્રિકેટના ઇતિહાસમાં આવું અગાઉ બની ચૂક્યું છે. ઇંગ્લેન્ડે 1975 અને 1979માં સતત બે ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી. પરંતુ તે સમયે ક્રિકેટની લોકપ્રિયતા, પરિસ્થિતિઓ અને આયોજનનું માળખું આજથી અલગ હતું.

આ પણ વાંચો:સોનિયા ગાંધીના નવા પુસ્તકમાં 55 ભૂલોનો દાવો: ગુજરાતની રાજધાની, કારગિલ યુદ્ધ અને રાહુલ ગાંધીના કેસની વિગતોમાં ગડબડ
Back to top button