સુરતમાં ગણેશજીની એક ઝલક જોવા માટે પડાપડી થઈ, રસ્તા પર ધક્કામૂકી થતાં અનેક મહિલા દબાઈ
સુરત: ગણેશ ચતુર્થીના દોઢ મહિના પહેલાથી જ શ્રીજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. 23 ઓગસ્ટની રાત્રે શહેરના ઘોડદોડ રોડ પર આવેલા રામચોક ખાતે ‘સરકાર’ ગ્રુપના ગણેશજીના આગમનની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જોકે, અપેક્ષા કરતાં વધુ ભીડ થતાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને કેટલાક સ્થળોએ પગ મૂકવાની પણ જગ્યા ન રહી હતી.
ધક્કામૂકીમાં મહિલાઓ દબાઈ, અફરાતફરીનો માહોલ
શ્રીજીના આગમન દરમિયાન અચાનક ભીડ વધતાં ભારે ધક્કામૂકીના દૃશ્યો સર્જાયા હતા. ભીડમાં અનેક મહિલાઓ દબાઈ ગઈ હતી, જ્યારે કેટલાક લોકોને ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ હોવાનું સામે આવ્યું છે.
પરિસ્થિતિ એટલી વણસી હતી કે અનેક સ્થળોએ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર મોટી સંખ્યામાં ચપ્પલ અને જૂતાં પડેલા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
ભીડમાં વિખૂટું પડેલું બાળક માતાને મળ્યું
અફરાતફરી દરમિયાન એક બાળક પરિવારથી વિખૂટું પડી ગયું હતું. ભારે શોધખોળ બાદ બાળક તેની માતાને મળ્યું ત્યારે માતા તેને ભેટીને રડી પડી હતી. આ દૃશ્યે ત્યાં હાજર લોકોમાં પણ ચિંતા અને લાગણીનો માહોલ સર્જ્યો હતો.
ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન
રામચોક અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો અને વાહનો ઉમટતા ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને અનેક વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.
પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા, છતાં વધુ પડતી ભીડને કારણે કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
ભીડનો ફાયદો ઉઠાવી મોબાઈલ-પર્સની ચોરી
અફરાતફરી વચ્ચે પોકેટમારો અને તસ્કરો પણ સક્રિય થયા હોવાની ફરિયાદો સામે આવી છે. અનેક શ્રદ્ધાળુઓના મોબાઈલ ફોન અને પર્સ ચોરાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
દર્શને આવેલા કેટલાક લોકોનું કહેવું છે કે ભીડ નિયંત્રણની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અસામાજિક તત્ત્વોને મોકો મળ્યો હતો. જેના કારણે દર્શન માટે આવેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
આયોજકોએ કહ્યું- અપેક્ષા કરતાં વધુ ભક્તો આવ્યા
આયોજક તપનસિંહ રાજપૂતે જણાવ્યું કે દર વર્ષે શ્રીજીના આગમનનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે અપેક્ષા કરતાં ઘણી વધુ સંખ્યામાં ગણેશ ભક્તો આવી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે આયોજકોના વોલેન્ટિયર્સ સ્થળ પર હાજર હતા અને ભીડને નિયંત્રિત કરવા માટે કામગીરી કરવામાં આવી હતી. જોકે, એક સાથે મોટી સંખ્યામાં લોકો આવતાં કેટલાક સ્થળોએ મુશ્કેલી સર્જાઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસે કહ્યું- પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ લેવાઈ
ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. જે. ચૌધરીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો ગણેશજીના દર્શન માટે આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને વ્યવસ્થિત કરવા તેમજ ટ્રાફિક નિયંત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે એક-બે સ્થળે ભીડ વધુ થઈ હતી, પરંતુ પોલીસ દ્વારા ત્યાં પણ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી.
શ્રીજીના આગમન દરમિયાન સર્જાયેલી આ સ્થિતિ બાદ આગામી મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને વધુ સઘન આયોજન કરવાની જરૂરિયાત સામે આવી છે.
આ પણ વાંચો: શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેમિકાને જંગલમાં લઈ ગયો, કપડાં ઉતારતા જ હત્યા કરી નાખી












