₹3,200 કરોડના સુરત ડાયમંડ બુર્સની ચમક ફિક્કી, હજારો ઓફિસોમાંથી માત્ર 300માં જ હીરાનો કારોબાર

Surat Diamond Bourse: વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર તરીકે ઓળખાતા સુરતમાં ₹3,200 કરોડના ખર્ચે તૈયાર થયેલું સુરત ડાયમંડ બુર્સ (SDB) ઉદ્ઘાટનના લગભગ ત્રણ વર્ષ બાદ પણ અપેક્ષા મુજબ ધમધમી શક્યું નથી. હજારો ઓફિસો ધરાવતા આ ભવ્ય સંકુલમાં હાલમાં માત્ર 300 જેટલી ઓફિસોમાં જ હીરાનો કારોબાર ચાલી રહ્યો હોવાના અહેવાલ છે. વૈશ્વિક હીરા બજારમાં મંદી, આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે મુંબઈની સરખામણીએ મર્યાદિત વેપારી સુવિધાઓ અને પરંપરાગત હીરા બજારથી અંતર જેવા પરિબળો ડાયમંડ બુર્સ માટે પડકાર બની રહ્યાં છે.
₹3,200 કરોડના સંકુલમાં માત્ર 300 ઓફિસો કાર્યરત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર, 2023ના રોજ સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે 66 લાખ ચોરસફૂટમાં ફેલાયેલા આ ભવ્ય સંકુલમાં નવ ટાવર આવેલા છે. દરેક ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 15 માળની વ્યવસ્થા છે. વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે પ્રખ્યાત થયેલા ડાયમંડ બુર્સમાં હજારો હીરા વેપારીઓ એક જ સ્થળે કારોબાર કરે તેવું આયોજન હતું. જોકે અત્યાર સુધીમાં 4,000થી વધુ ઓફિસો વેચાઈ હોવા છતાં કાર્યરત ઓફિસોની સંખ્યા આશરે 300 જ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગોવિંદ ધોળકિયાની વેપારીઓને ભાવનાત્મક અપીલ
સુરત ડાયમંડ બુર્સમાં વેપારી પ્રવૃત્તિઓ વધારવા રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ તાજેતરમાં સભ્યોને પત્ર લખ્યો હતો. તેમણે ગુજરાતી નવા વર્ષથી પોતાની ઓફિસો શરૂ કરવા વેપારીઓને અપીલ કરી હતી. ગોવિંદભાઈ ધોળકિયાએ પણ અન્ય વેપારીઓની રાહ જોયા વિના પોતાની ઓફિસ શરૂ કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ઓફિસો વેચાઈ ચૂકી છે, પરંતુ વેપારીઓએ હવે તેમાં નિયમિત કારોબાર શરૂ કરવાની જરૂર છે.
મુંબઈથી સુરત આવેલા વેપારી ફરી પરત ફર્યા
સુરત ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ મુંબઈના મોટા હીરા વેપારીઓ અહીં સ્થળાંતર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીએ નવેમ્બર 2023માં મુંબઈથી સુરત આવી ડાયમંડ બુર્સમાં અંદાજે એક લાખ ચોરસફૂટ જગ્યા ખરીદી હતી. કર્મચારીઓ માટે રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ તેઓ ફરી મુંબઈ પરત ફર્યા હતા અને ભારત ડાયમંડ બુર્સમાં પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. આ ઘટનાએ સુરતમાં મોટા પાયે હીરા વેપારીઓના સ્થળાંતરની પ્રક્રિયા કેટલી મુશ્કેલ છે તે દર્શાવ્યું હતું.
મહિધરપુરાથી ડાયમંડ બુર્સનું અંતર પણ પડકાર
સુરતનું મહિધરપુરા હીરા બજાર વર્ષોથી હીરાના સ્થાનિક વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. બીજી તરફ ડાયમંડ બુર્સ ખજોદની ડ્રીમ સિટીમાં આવેલું હોવાથી પરંપરાગત બજારથી અંદાજે 14 કિલોમીટર દૂર છે. વેપારીઓના મતે મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકો, બેન્કિંગ, નિકાસ અને હીરાના મોટા વેપાર માટે વિકસિત વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. સુરતમાં હીરાનું ઉત્પાદન મોટા પાયે થતું હોવા છતાં અનેક વેપારીઓ આંતરરાષ્ટ્રીય સોદાઓ માટે મુંબઈ પર આધાર રાખે છે.
View this post on Instagram
શટલ બસ અને મેટ્રોના પ્રયાસ છતાં પડકાર યથાવત્
સુરત ડાયમંડ બુર્સ સુધી વેપારીઓની અવરજવર સરળ બને તે માટે સુરત મહાનગરપાલિકાએ 2024માં વરાછા અને મહિધરપુરાથી ડ્રીમ સિટી સુધી મફત શટલ બસ સેવા શરૂ કરી હતી. આ ઉપરાંત ડ્રીમ સિટી સુધી મેટ્રો કનેક્ટિવિટી વિકસાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની અવરજવર, વેપારી નેટવર્ક અને કારોબાર માટે જરૂરી સુવિધાઓનો પ્રશ્ન સંપૂર્ણપણે ઉકેલાયો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કુદરતી હીરાના ભાવમાં 30થી 50 ટકા સુધીનો ઘટાડો
વૈશ્વિક હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી પણ સુરત ડાયમંડ બુર્સ માટે મોટો પડકાર બની છે. રાપાપોર્ટ ગ્રૂપના અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી પોલિશ્ડ હીરાના કેટલાક વર્ગોના જથ્થાબંધ ભાવમાં આશરે 30થી 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. 2020માં કુદરતી હીરાનો સરેરાશ પ્રતિકેરેટ ભાવ અંદાજે 5,500 ડોલર હતો, જે 2025માં ઘટીને 4,200 ડોલરની આસપાસ પહોંચ્યો હતો. 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ આંકડો 4,456 ડોલર નોંધાયો હતો. બીજી તરફ લેબગ્રોન હીરાના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. 2020માં પ્રતિકેરેટ અંદાજે 3,410 ડોલરનો ભાવ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 800થી 1,200 ડોલરની વચ્ચે રહ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
લેબગ્રોન હીરા અને વૈશ્વિક મંદીની બેવડી અસર
હીરા ઉદ્યોગના જાણકારોના મતે લેબગ્રોન હીરાની વધતી સ્પર્ધા, ચીનમાં ઘટતી માગ, રશિયાની અલરોસા કંપની સામે પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવને કારણે કુદરતી હીરાના બજારને અસર પહોંચી છે. યુક્રેન અને મધ્ય-પૂર્વના સંઘર્ષોની અસર પણ આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં વેપારીઓ નવા સ્થળે ઓફિસ શરૂ કરવા અને વધારાનો ખર્ચ ઉઠાવવા અંગે સાવચેતી રાખી રહ્યા છે.
ડાયમંડ બુર્સમાં આંતરરાષ્ટ્રીય કારોબાર શરૂ કરવાના પ્રયાસ
ડાયમંડ બુર્સમાં વેપાર વધારવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રયાસો પણ થયા છે. દુબઈના સ્ટારજેમ્સ ગ્રૂપ દ્વારા અહીં રફ હીરાની સાત દિવસની હરાજી યોજવામાં આવી હતી. આ ઉપરાંત સુરતની ચાર કંપનીઓએ બ્રિટન મોકલવાના અંદાજે એક કરોડ ડોલરના હીરાની પ્રથમ ખેપ માટે બુર્સમાં આવેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ઓફિસનો ઉપયોગ કર્યો હતો. આવા પ્રયાસો છતાં સમગ્ર સંકુલમાં મોટા પાયે નિયમિત વેપારી પ્રવૃત્તિ શરૂ કરવી હજુ પડકારરૂપ છે.
સુરતના હીરા ઉદ્યોગ સામે મોટો પડકાર
સુરત વિશ્વના કુદરતી હીરાના કટિંગ અને પોલિશિંગનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. આ ઉદ્યોગ સાથે લાખો કારીગરો અને વેપારીઓ જોડાયેલા છે. સુરત ડાયમંડ બુર્સનો મુખ્ય હેતુ ઉત્પાદનની સાથે આંતરરાષ્ટ્રીય હીરા વેપારને પણ સુરતમાં કેન્દ્રિત કરવાનો હતો. હવે સંકુલ સામે સૌથી મોટો પડકાર વેચાઈ ગયેલી ઓફિસોમાં નિયમિત વેપાર શરૂ કરાવવાનો, આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આકર્ષવાનો અને મુંબઈ પરની વેપારી નિર્ભરતા ઘટાડવાનો છે.












