ગુજરાત

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રશાસનની ઘોર બેદરકારી: પાર્કિંગ એરિયામાં ગાય ઘૂસી જતાં મચ્યો હડકંપ

Surat International Airport stray cow: સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રશાસનની લાપરવાહી અને બિનજવાબદાર નીતિ ફરી એકવાર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો ધરાવતા આ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાના મોટા-મોટા દાવાઓ વચ્ચે પ્રશાસનની ગંભીર નિષ્કાળજીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ અગાઉ રાત્રિના સમયે એરપોર્ટના પાર્કિંગ એરિયાના મુખ્ય માર્ગ પર અચાનક ધસી આવેલી ગાયને કારણે મુસાફરો અને તેમના પરિજનોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઊડી ગયા છે.

પાર્કિંગ અને પીકઅપ-ડ્રોપ ઝોનમાં ગાય દોડતી નજરે પડી

સંવેદનશીલ ગણાતા એરપોર્ટ ક્ષેત્રમાં રખડતા પશુઓના પ્રવેશને અટકાવવામાં તંત્ર તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. એરપોર્ટના પાર્કિંગ સાઈડ એરિયામાં રોડ પર એક ગાય બેફામ દોડતી હોવાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. મુસાફરો અને વાહનોની સતત અવરજવર વચ્ચે આવી રીતે રખડતા પશુની હાજરી માત્ર શરમજનક જ નહીં, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે સંભવિત ગંભીર અકસ્માતને સીધું આમંત્રણ આપતી સમાન છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ખાનગી વાહનો અને ટેક્સીઓ માટે અકસ્માતનું મોટું જોખમ

એરપોર્ટ વર્તુળોના જણાવ્યા મુજબ, મુખ્ય પ્રવેશદ્વારો પર પશુઓનો પ્રવેશ રોકવા માટે વિશેષ કેટલ ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે છે. છતાં પણ ગાય સીધી એરપોર્ટના અંદરના સંવેદનશીલ પરિસરમાં કઈ રીતે પહોંચી ગઈ, તે સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલે છે. જો આવી ઘટના પીક-અપ અને ડ્રોપ ઝોનમાં બને તો મુસાફરોની સુરક્ષા જોખમાવા સાથે ત્યાંથી પસાર થતી ખાનગી કાર અને ટેક્સીઓ માટે અકસ્માતનું મોટું રિસ્ક ઊભું થઈ શકે છે.

એજન્સીઓને કડક દેખરેખ રાખવા આદેશ

ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ એરપોર્ટ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ટીમ મોકલીને ગાયને એરપોર્ટ પરિસરની બહાર ખદેડી મૂકવામાં આવી હતી. મોડે મોડે પણ સફાળા જાગેલા પ્રશાસને આ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. એરપોર્ટ સાથે સંકળાયેલી તમામ સુરક્ષા એજન્સીઓને મુખ્ય પ્રવેશદ્વાર તેમજ પરિસરની સરહદો પર વધુ કડક દેખરેખ રાખવા તાકીદ કરાઈ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી તમામ ટેકનિકલ પગલાં લેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ, કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની ઠગાઈનો આરોપ

Back to top button