અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ, કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની ઠગાઈનો આરોપ

Umang Thakkar arrested: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જમીન અને પ્લોટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે મોટી સફળતા મેળવી છે. અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરીને તેને જેલના હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ટાઇટલ ક્લિયર ન હોય તેવી જમીન પર પ્રોજેક્ટ બતાવી લોકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.
સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના નામે લોકોનો વિશ્વાસ જીત્યો
પોલીસના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026માં કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અનુસાર ઉમંગ ઠક્કરે કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં ‘સહજાનંદ નિર્વાણા’ નામનો રહેણાંક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પ્રોજેક્ટના આકર્ષક બ્રોશર, માર્કેટિંગ અને પ્લોટ બુકિંગ દ્વારા અનેક લોકોને રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન ખુલાસો થયો કે જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. આમ છતાં ટાઇટલ ક્લિયર કર્યા વિના પ્લોટ બુકિંગ શરૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

15થી વધુ લોકો પાસેથી ₹1.56 કરોડ ઉઘરાવ્યા
પોલીસ તપાસ મુજબ આરોપીએ 15થી વધુ લોકોને પ્લોટ આપવાના વાયદા કરીને કુલ ₹1.56 કરોડ વસૂલ્યા હતા. રોકાણકારોને સમયસર પ્લોટનો કબ્જો આપવામાં આવ્યો નહીં અને તેમની રકમ પણ પરત કરવામાં આવી નહોતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ છેતરાયાની શંકા જતાં ભોગ બનનારાઓએ કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ
એક મહિલા સહિત અન્ય રોકાણકારોની લેખિત ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દસ્તાવેજોની ચકાસણીમાં જમીનની માલિકી અને પ્રોજેક્ટ સંબંધિત અનેક ગેરરીતિઓ સામે આવી હતી.
રાજકીય પ્રભાવથી બચવાનો પ્રયાસ, પરંતુ આખરે ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લાંબા સમયથી પોતાના કથિત રાજકીય પ્રભાવ અને ઓળખાણનો ઉપયોગ કરીને કાયદાની કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે કામરેજ પોલીસે સતત તપાસ બાદ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેમને જેલના હવાલે કર્યા છે.
અન્ય આરોપીઓની સંડોવણીની પણ તપાસ
કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોજીયાએ જણાવ્યું કે ₹1.56 કરોડની છેતરપિંડીના કેસમાં ઉમંગ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય વ્યક્તિઓ અથવા ભાગીદારોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જો વધુ પુરાવા સામે આવશે તો અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે નાગરિકોને જમીન કે પ્લોટમાં રોકાણ કરતા પહેલાં મિલકતના દસ્તાવેજો, ટાઇટલ ક્લિયરન્સ અને કાનૂની સ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવાની અપીલ કરી છે.












