ગુજરાત

Surat: અઢી વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા મહિલા કર્મચારીને મેનેજરની પરીક્ષાનો કોલ લેટર મળ્યો

Surat News: કાર્યક્ષમ વહીવટ અને ડિજિટલ ગવર્નન્સના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકા (SMC) હાલમાં એક હાસ્યાસ્પદ છબરડાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ચાલી રહેલી પ્રક્રિયામાં તંત્રએ એવી મોટી ભૂલ કરી છે કે, જે કર્મચારી સન્માનપૂર્વક નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમને ફરીથી નોકરીમાં ભરતી થવા માટે પરીક્ષાનો કોલ લેટર મોકલી આપ્યો છે. આ કિસ્સો સામે આવતા જ પાલિકાના કર્મચારી આલમમાં અને સોશિયલ મીડિયામાં તંત્રની ભારે ફજેતી થઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?

સુરત મહાનગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયન દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેના અનુસંધાનમાં, હાલમાં વિવિધ કેડરની અંદાજે 2,200 જેટલી જગ્યાઓ પર ભરતી અને બઢતીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રક્રિયામાં ઉચ્ચ વહીવટી પદ ગણાતી ‘મેનેજર’ની પોસ્ટ માટેની લેખિત પરીક્ષા આગામી રવિવાર, 14 એપ્રિલના રોજ યોજાનાર છે.

આ પરીક્ષા માટે પાલિકા દ્વારા લાયક ઉમેદવારોને ટપાલ દ્વારા કોલ લેટર મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના અઠવા ઝોનમાં પ્રથમ શ્રેણીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારી, જેઓ શારીરિક રીતે દિવ્યાંગ છે, તેઓ 31 ઓક્ટોબર, 2023 ના રોજ પોતાની 58 વર્ષની વય મર્યાદા પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા. જોકે, નવાઈની વાત એ છે કે, નિવૃત્તિના અઢી વર્ષ (30 મહિના) બાદ આ મહિલા કર્મચારીના ઘરે ટપાલ દ્વારા મેનેજરની પરીક્ષામાં હાજર રહેવા માટેનો કોલ લેટર પહોંચ્યો છે.

સ્ટાફ યુનિયનમાં રોષ અને રજૂઆત

આ ગંભીર વહીવટી ક્ષતિ અંગે સુરત મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખે આકરો પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “પાલિકામાં 30,000 માંથી 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે અને અમે ભરતી પ્રક્રિયાને આવકારીએ છીએ. પરંતુ, જ્યારે કોઈ કર્મચારી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ જાય છે, ત્યારે તેનો ડેટા સિસ્ટમમાં અપડેટ કેમ કરવામાં આવતો નથી? જે વ્યક્તિ 58 વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થઈ ગઈ હોય, તેને મેનેજર જેવી પોસ્ટની પરીક્ષા માટે પત્ર મોકલવો એ અધિકારીઓની ઘોર બેદરકારી છે.”

યુનિયનના જણાવ્યા મુજબ, જ્યારે આ પદ માટે જાહેરાત પડી હતી ત્યારે મહિલા કર્મચારી સેવામાં હતા અને તેમણે ફોર્મ ભર્યું હતું. પરંતુ, આટલા લાંબા સમય બાદ જ્યારે પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે તંત્રએ એ વાતની પણ દરકાર ન કરી કે ઉમેદવાર હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે.

તંત્ર સામે ઊભા થતા સવાલો

આ કિસ્સાએ સુરત મહાનગરપાલિકાના ડેટા મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કર્યા છે:

  • શું પાલિકા પાસે નિવૃત્ત થતા કર્મચારીઓનો અધ્યતન ડેટા નથી?

  • કોલ લેટર ઇસ્યુ કરતા પહેલા લાયકાત અને વય મર્યાદાની ચકાસણી કેમ કરવામાં ન આવી?

  • આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે?

હાલમાં સ્ટાફ યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને માગ કરવામાં આવી છે કે આ પ્રકારના વહીવટી છબરડા ભવિષ્યમાં ન થાય તે માટે સિસ્ટમમાં સુધારો કરવામાં આવે અને જવાબદાર સામે પગલાં લેવામાં આવે. સ્માર્ટ સિટીના આ ‘અસ્માર્ટ’ છબરડાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

આ પણ વાંચો: Rajkot: અન્ય સ્ત્રી સાથેના સંબંધોનો વિરોધ કરતાં પતિએ પત્નીને રકાબી મારી

Back to top button