ગુજરાત

Rajkot: અન્ય સ્ત્રી સાથેના સંબંધોનો વિરોધ કરતાં પતિએ પત્નીને રકાબી મારી

Rajkot Crime News: રાજકોટના પોશ ગણાતા ઇન્દિરા સર્કલ વિસ્તારમાં પતિના લગ્નેત્તર સંબંધો અને સાસરિયાંઓના ત્રાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અન્ય સ્ત્રી સાથેના સંબંધોનો વિરોધ કરનારી પત્ની પર પતિએ રકાબી વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

લગ્નના છ મહિનામાં જ લગ્નેત્તર સંબંધોનો ખુલાસો

ઇન્દિરા સર્કલ પાસે રહેતા ૩૫ વર્ષીય પૂજાબેન ગૌરવભાઈ દાસાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન ૨૦૨૧માં ગૌરવ દાસાણી સાથે થયા હતા. સુખી લગ્નજીવનના સપના જોતી પૂજાબેનને લગ્નના છ મહિના બાદ જ પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધોની જાણ થઈ હતી. પતિ સતત વોટ્સએપ અને ફોન દ્વારા અન્ય મહિલા સાથે વાત કરતો હોવાથી જ્યારે પૂજાબેને તેનો વિરોધ કર્યો, ત્યારે પતિએ તેમને સમજાવવાને બદલે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સાસરિયાંઓએ પણ પુત્રનો જ પક્ષ લીધો

પૂજાબેને જ્યારે આ મામલે પોરબંદર રહેતા સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈને જાણ કરી ત્યારે સાસરિયાંઓએ પણ પત્નીના પક્ષે ઊભા રહેવાને બદલે પુત્રના અનૈતિક સંબંધોને છાવર્યા હતા. સાસુ-સસરાએ ઉલટાનું પૂજાબેનને મેણું મારતા કહ્યું હતું કે, “તે પોતાની મહિલા મિત્ર સાથે વાત કરે તો તને શું વાંધો છે?” એટલું જ નહીં, ગર્ભવતી અવસ્થામાં અને સંતાનના જન્મ બાદ પણ સાસુ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી ફ્લેટ ખાલી કરી નીકળી જવાની ધમકી આપતા હતા.

રકાબીના ઘાથી પત્ની લોહીલુહાણ

આ હિંસક ઘટના ગત ૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે બની હતી. પૂજાબેને પોતાના દીકરાના ભવિષ્યનો વિચાર કરી સાસુ-સસરાને સાથે રહેવા આવવા માટે પતિને વાત કરી હતી. આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા પતિ ગૌરવભાઈએ પત્નીને બેફામ ગાળો આપી હતી અને ટેબલ પર પડેલી રકાબીનો છૂટો ઘા પૂજાબેનના ચહેરા પર માર્યો હતો. રકાબી કપાળ અને ગાલના ભાગે વાગતા પૂજાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી

આખરે કંટાળીને પૂજાબેને પિતાના ઘરે આશરો લીધો છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પતિ ગૌરવ, સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈ દાસાણી વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની પૂછપરછ અને સાસરિયાંઓ વિરુદ્ધ તપાસની પ્રક્રિયા તેજ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલું હિંસા અને લગ્નેત્તર સંબંધોના ગંભીર પરિણામો તરફ લાલબત્તી ધરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

આ પણ વાંચો: Rajkot: નવાગામ પોલીસ ચોકી સામે જ ધમધમતું કૂટણખાણું ઝડપાયું

Back to top button