‘પત્ની પાસે હિસાબ માંગવો ક્રૂરતા નથી…’ દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી

નવી દિલ્હી: 3 જાન્યુઆરી, 2026: Supreme Court: સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના વિવાદોને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પતિ તેની પત્ની પાસે ઘરના ખર્ચ માટે આપેલા પૈસાનો હિસાબ માંગે છે, તો તેને ‘ક્રૂરતા’ માની શકાય નહીં. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ ચુકાદો આપતા પતિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (FIR) રદ કરી દીધી છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ તેલંગાણાનો છે, જ્યાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને ક્રૂરતાનો કેસ દાખલ કર્યો હતો. પત્નીનો આરોપ હતો કે તેનો પતિ ઘરના ખર્ચના એક-એક પૈસાનો હિસાબ માંગે છે અને તેના પર આર્થિક વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે. તેલંગાણા હાઈકોર્ટે આ મામલે એફઆઈઆર રદ કરવાનો ઈનકાર કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે હવે પલટી નાખ્યો છે.
સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણીઓ
ચુકાદો આપતા સર્વોચ્ચ અદાલતે કેટલીક પાયાની વાતો સ્પષ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ખર્ચ અને પૈસાને લઈને થતા વિવાદો વૈવાહિક જીવનની રોજિંદી ખેંચતાણનો ભાગ હોઈ શકે છે. દરેક નાના વિવાદને ફોજદારી ગુનાનું સ્વરૂપ આપી શકાય નહીં. પતિ દ્વારા આર્થિક શિસ્ત જાળવવી અથવા હિસાબ માંગવો, જ્યાં સુધી તેનાથી કોઈ માનસિક કે શારીરિક નુકસાન ન થાય, ત્યાં સુધી તે ક્રૂરતાની શ્રેણીમાં આવતું નથી. અદાલતે ચેતવણી આપી હતી કે ફોજદારી કાયદાનો ઉપયોગ અંગત બદલો લેવા કે હિસાબ સરભર કરવાના સાધન તરીકે ન થવો જોઈએ.
અન્ય કેસો પર અસર નહીં થાય
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ ચુકાદો માત્ર ક્રૂરતા અને ફોજદારી કાર્યવાહીને લઈને છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા અન્ય કેસો જેમ કે છૂટાછેડા, ભરણપોષણ કે ઘરેલું હિંસાના કેસો પર આ નિર્ણયની કોઈ સીધી અસર પડશે નહીં. તે કેસો તેના તથ્યોના આધારે અલગથી ચાલશે.












