સંમતિથી બનેલા સંબંધોમાં POCSO નો થઈ રહ્યો છે દુરૂપયોગ, સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી: 4 નવેમ્બર, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે મંગળવારે POCSO એક્ટના દુરૂપયોગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, પરિણીત વિવાદો અને કિશોરો વચ્ચે સંમતિથી બનેલા સંબંધોના કેસોમાં POCSO એક્ટનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે એક જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં બળાત્કાર વિરુદ્ધના કાયદાઓ અને POCSO એક્ટ વિશે લોકોને સંવેદનશીલ બનાવવા માટે નિર્દેશો આપવાની માંગણી કરાઈ હતી.
પુરુષો અને છોકરાઓમાં કાયદાની જાગૃતિ ફેલાવવાની જરૂર
ખંડપીઠે મૌખિક રીતે અવલોકન કર્યું, “અમે એક વાત કહેવા માંગીએ છીએ. પરિણીત વિવાદો અને કિશોરો વચ્ચે સંમતિથી બનેલા સંબંધો સાથે જોડાયેલા કેસમાં POCSO એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યો છે. આપણે છોકરાઓ અને પુરુષોમાં કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ.”
કોર્ટે જનહિત અરજી પર સુનાવણી 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, કારણ કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો નથી.
અરજીમાં શું માંગણી કરાઈ?
વરિષ્ઠ વકીલ આબાદ હર્ષદ પોંડા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં અનેક પગલાં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ મંત્રાલયને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપતી તમામ સંસ્થાઓને મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધોથી સંબંધિત દંડાત્મક જોગવાઈઓ વિશે માહિતી આપવા માટે નિર્દેશ આપવો. નૈતિક તાલીમના વિષયને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ, જેથી લૈંગિક સમાનતા, મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને ગરિમા સાથે જીવવાની સ્વતંત્રતા પ્રત્યે જાગૃતિ સુનિશ્ચિત કરી શકાય.
અગાઉ, સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર, કેન્દ્રીય શિક્ષણ અને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય તેમજ સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડને નોટિસ પાઠવી હતી.
આ પણ વાંચોઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં બ્લાસ્ટ: 4 લોકો ઈજાગ્રસ્ત, પોલીસે પરિસરને ઘેરી શરૂ કરી તપાસ
આ પણ વાંચોઃ જયપુરનો બટાટા-ટામેટા વેચનાર બન્યો કરોડપતિ! 11 કરોડની લોટરી જીત્યા પછી લોન લઈને ઇનામ લેવા પહોંચ્યો












