ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુનેત્રા બનશે ડેપ્યુટી સીએમ? શરદ પવારનુ એનસીપીના વિલીનીકરણ પર મોટું નિવેદન

NCP વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનામાં અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. શરદ પવારે સુનેત્રાના નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “મને આ વિશે કોઈ માહિતી નથી.” તેમણે બંને NCP પક્ષોના વિલીનીકરણ અંગે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે શું સુનેત્રા આજે શપથ લેશે, ત્યારે તેમણે કહ્યું, “મને આ વિશે કોઈ માહિતી નથી. આ નિર્ણય તેમના પક્ષે જ લીધો હશે, કારણ કે કેટલાક નામો આવી રહ્યા છે – જેમ કે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે – શક્ય છે કે તેમણે આ નિર્ણય લીધો હોય. પાર્ટી સ્તરે આંતરિક નિર્ણય લેવાયો હશે.”

બંને NCPનું વિલીનીકરણ થવું જોઈએ

શરદ પવારે, બંને NCPના વિલીનીકરણ વિશે બોલતા કહ્યું કે આવી સ્થિતિમાં, બધાએ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે વિચારવું જોઈએ. કોઈને તો આગળ આવવું જ પડશે. બંને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીઓના વિલીનીકરણ અંગે છેલ્લા ચાર મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે. અજિત પવાર અને જયંત પાટિલ આ પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા હતા. હવે આવું થશે કે કેમ તે સ્પષ્ટ નથી. અજિતની ઇચ્છા હતી કે બંને પક્ષો એક થાય.

તેમણે એમ પણ કહ્યું કે આગળ શું કરવું તે અંગેનો નિર્ણય NCPનો છે. હું નિર્ણય નહીં લઉં. સુનેત્રા પવાર સાથે મારી કોઈ ચર્ચા થઈ નથી. મારું માનવું છે કે સુનીલ તટકરે, છગન ભુજબળ અને પ્રફુલ્લ પટેલે મુખ્યમંત્રી સાથે આ અંગે ચર્ચા કરી હશે. મેં આજે સવારે અખબારમાં વાંચ્યું કે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેએ મુખ્યમંત્રી સાથે આ અંગે ચર્ચા કરી છે, પરંતુ મને તે વિશે કોઈ માહિતી નહોતી.

બારામતીના ગોવિંદ બાગ ખાતે યોજાઈ હતી બેઠક

આ દરમિયાન, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે બારામતીના ગોવિંદ બાગ ખાતે બંને પક્ષોના વિલીનીકરણ અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક 17 જાન્યુઆરીના રોજ થઈ હતી અને વિલીનીકરણની અંતિમ મહોર 12 ફેબ્રુઆરીએ લગાવવાની હતી.

સુનેત્રા પવાર મુંબઈ પહોંચ્યા

સુનેત્રા પવાર મુંબઈ પહોંચી ચૂક્યા છે. NCP વિધાનસભા પક્ષની બેઠક બપોરે મળશે, જ્યાં તેમને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે. ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ રાજભવન અથવા લોકભવન ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે.

સૂત્રો એમ પણ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે સુનેત્રા પવારનું નામ સ્વીકારી લીધું છે અને તેમને અજિત પવારના પદની જવાબદારી સોંપવામાં આવી રહી છે. જોકે, પોર્ટફોલિયોનું વિતરણ પછીથી થઈ શકે છે. તેમણે છ મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી લડવી પડશે.

પાર્ટીના એક નેતાએ કહ્યું, “આ નિર્ણય પાર્ટી સ્તરે લેવામાં આવ્યો છે. પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેએ મુખ્યમંત્રી સાથે આ અંગે ચર્ચા કરી હશે. સુનેત્રા પવાર સાથે કોઈ સીધી ચર્ચા થઈ ન હતી, પરંતુ પાર્ટીને આગળ વધારવા માટે કોઈને આગળ આવવુ જરૂર હતુ.”

આ પણ વાંચો: VIDEO: આરોપી પાસેથી 4 લાખની લાંચ લેતો પોલીસ ઝડપાયો, પકડાયા બાદ ચીસો પાડવા લાગ્યો

Back to top button