અમદાવાદીઓ માટે મહત્ત્વના સમાચારઃ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે સુભાષ બ્રિજ, નિષ્ણાતોએ હાથ ધર્યું નિરીક્ષણ

અમદાવાદ: 9 ડિસેમ્બર, 2025: Ahmedabad Subhash Bridge: અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર, 2025 સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં તિરાડ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
નિષ્ણાતો દ્વારા સઘન ટેસ્ટિંગ શરૂ
AMC દ્વારા હાલમાં ગુજરાત સરકારના R&B ડિઝાઇન સર્કલ અને AMCની M પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
સઘન તપાસની પ્રગતિ:
- SVNIT (સુરત) દ્વારા ચકાસણી:સુભાષ બ્રિજનું વધુ સઘન નિરીક્ષણ અને ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત જણાતા આ કામગીરી અનુભવી તજજ્ઞોને સોંપાઈ છે. હાલમાં SVNIT (સુરત) દ્વારા બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.
- ફાઉન્ડેશનનું ટેસ્ટિંગ:બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણીનું કામ નિષ્ણાતો દ્વારા પ્રગતિમાં છે.
- IIT નો સમાવેશ:આગામી સમયમાં આ બ્રિજનું વિસ્તૃત ઇન્સ્પેક્શન IIT મુંબઈ અને IIT રૂડકી સહિત અન્ય બ્રિજ નિષ્ણાતો પાસેથી પણ કરાવવામાં આવનાર છે.
AMC 25 ડિસેમ્બર, 2025 સુધીમાં આ સઘન અને વિસ્તૃત તપાસ પૂર્ણ કરીને બ્રિજની સલામતી અંગે નિર્ણય લેશે.












