ST વોલ્વો બસની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત, રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત

Rajkot Accident: રાજકોટ શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત એસ.ટી. વિભાગની વોલ્વો બસે રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધાને અડફેટે લેતા તેમનું દુઃખદ મોત થયું છે. કુવાડવા રોડ પર આવેલા પારેવડી ચોક નજીક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ ઉભું થયું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી.
પૂરઝડપે આવેલી બસે વૃદ્ધાને લીધા અડફેટે
મળતી માહિતી મુજબ, ગત 17 એપ્રિલના રોજ બપોરના અંદાજે 1 વાગ્યાની આસપાસ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડા પગપાળા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પાછળથી ઝડપી ગતિએ આવતી વોલ્વો બસે તેમને જોરદાર ટક્કર મારી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધા જમીન પર પટકાઈ ગયા હતા. વધુ દુઃખદ બાબત એ રહી કે બસના આગળના વ્હીલ બાદ ડ્રાઇવરે બસ રોકવાની જગ્યાએ આગળ વધારી દીધી, જેના કારણે પાછળનું વ્હીલ પણ વૃદ્ધા પરથી પસાર થઈ ગયું હતું.
ઘટનાસ્થળે કમકમાટીભર્યા દ્રશ્યો
આ અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ બસચાલકે કોઈપણ પ્રકારની માનવતા ન દાખવતા બસ ઘટનાસ્થળેથી ભગાવી દીધી હતી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
બહેનના ઘરે જતાં થયો અકસ્માત
મૃતક હલુબેન ચાવડા પોતાના ઘરેથી મોચીબજારમાં રહેતા બહેન રોશનબેનના ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ પારેવડી ચોક નજીક પહોંચતા જ આ દુર્ઘટના બની જેમા તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો લઈ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારમાં શોકનો માહોલ છે અને સ્થાનિક લોકો પણ આ ઘટના અંગે ન્યાયની માંગ કરી રહ્યા છે.
ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર કેસ વધુ ગંભીર બની ગયો છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ઝડપથી આવી રહી છે અને વૃદ્ધા રસ્તો ક્રોસ કરી રહ્યા છે ત્યારે ટક્કર થાય છે. ત્યારબાદ બસ અટકાવ્યા વિના આગળ વધે છે અને પાછળનું વ્હીલ પણ તેમના પરથી પસાર થઈ જાય છે. આ દ્રશ્યો જોઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે એસ.ટી. બસના ડ્રાઇવર રણજીતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીને ટૂંક સમયમાં ઝડપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ભંગારના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી, 4 લોકો જીવતા ભૂંજાયા












