એસ. બદ્રીનાથનો ગૌતમ ગંભીર પર આકરો પ્રહાર: અફઘાનિસ્તાન શ્રેણી માટે ઇજાગ્રસ્ત ખેલાડીઓની પસંદગી પર ઉઠાવ્યા સવાલો!

S. Badrinath Slams Gautam Gambhir: અફઘાનિસ્તાન સામેની આગામી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થતાં જ વિવાદ સર્જાયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર એસ. બદ્રીનાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર આકરા પ્રહારો કર્યા છે. બદ્રીનાથે ખાસ કરીને વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીની ટીમમાં પસંદગી સામે વિરોધ નોંધાવતા બંને ખેલાડીઓને ગૌતમ ગંભીરના મનપસંદ (ફેવરિટ) ગણાવ્યા છે.
અનફિટ ખેલાડીઓની પસંદગીથી બદ્રીનાથ નારાજ
ઉલ્લેખનીય છે કે, BCCI દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી ટીમમાં ચાર એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ ઈજામાંથી પુનરાગમન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. તેમની પસંદગી મેચ પહેલા ફિટનેસના આધારે કરવામાં આવશે. આ ચાર ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આ પ્રકારે અનફિટ ખેલાડીઓને સ્થાન આપવાની નીતિથી બદ્રીનાથ ભારે નારાજ જોવા મળ્યા હતા.
વોશિંગ્ટન અને નીતિશ રેડ્ડીની ક્ષમતા પર બદ્રીનાથે ઉઠાવ્યા સવાલો
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા એસ. બદ્રીનાથે કોચ ગંભીરના નિર્ણયોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, “સૌ પ્રથમ તો કોચના માનીતા ખેલાડીઓ ટીમમાં પાછા આવી ગયા છે. વોશિંગ્ટન સુંદરને ભારતીય ક્રિકેટમાં સતત તકો આપવામાં આવી રહી છે, જેનો તેણે હવે લાભ લેવો જોઈએ. બીજી તરફ, હું નીતિશ કુમાર રેડ્ડીને એટલો મોટો ઓલરાઉન્ડર નથી માનતો. તેનું મુખ્ય કારણ તેની નબળી બોલિંગ છે. મને લાગે છે કે તે મુખ્યત્વે બેટ્સમેન છે અને બોલર તરીકે તેની ક્ષમતા મર્યાદિત છે.”
બુમરાહનું પુનરાગમન ભારત માટે સકારાત્મક પાસું
ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન ઇજાગ્રસ્ત થયા બાદ જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ રમી શક્યો નહોતો. બુમરાહના ટીમમાં પુનરાગમન અંગે બદ્રીનાથે હકારાત્મક વલણ દાખવ્યું હતું. તેમણે ઉમેર્યું, “બુમરાહની વાપસી ભારત માટે અત્યંત સકારાત્મક બાબત છે. લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ લય મેળવવા માટે બુમરાહે પોતે જ આ 3 મેચ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હોય તેવી શક્યતા છે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અરશદીપ સિંહ, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા.
આ પણ વાંચો: BCCI એ રોહિત શર્માના ભવિષ્ય પર આપી મોટી અપડેટ, ‘ડિરેક્ટર ઑફ ક્રિકેટ’ની અટકળો પર લગાવી બ્રેક












