ગુજરાત

અમરેલી: જાફરાબાદમાં દરિયાઈ માર્ગે થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ, SMCએ બોટમાંથી 22 લાખનો દારૂ ઝડપ્યો

Amreli News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયાઈ માર્ગે માછીમારીની બોટ દ્વારા વિદેશી દારૂ ઘુસાડવાના એક મસમોટા રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે સામાકાંઠા વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 11 આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.

ફિશિંગ બોટ બની દારૂની હેરાફેરીનું માધ્યમ

SMCની ટીમને બાતમી મળી હતી કે દમણથી એક માછીમારીની બોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને જાફરાબાદ લાવવામાં આવી રહ્યો છે. આ જથ્થો દરિયાકાંઠે ઉતારીને તેને અન્ય સ્થળોએ સપ્લાય કરવામાં આવે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી. તપાસ દરમિયાન ફિશિંગ બોટમાંથી પોલીસને વિદેશી દારૂની કુલ 6,859 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹22.75 લાખ આંકવામાં આવી છે.

રૂ. 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દારૂના જથ્થાની સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ફિશિંગ બોટ અને અન્ય વાહનો સહિત કુલ ₹33.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી ચાર આરોપીઓ ઝડપાયા છે, જેમની પૂછપરછમાં અન્ય 11 શખ્સોના નામ ખુલ્યા છે. SMCએ આ ફરાર બુટલેગરોને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

જાફરાબાદમાં પડેલા આ દરોડાએ સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં SMC દ્વારા પાડવામાં આવેલો આ પાંચમો મોટો દરોડો છે. સ્થાનિક પોલીસની નાક નીચેથી દરિયાઈ માર્ગે આટલો મોટો દારૂનો જથ્થો ઘૂસી જાય અને તેની ગંધ પણ સ્થાનિક પોલીસને ન આવે તે બાબત હવે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલમાં SMC આ પ્રકરણમાં દારૂ ક્યાં મોકલવાનો હતો અને આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: મમતા બેનરજીને ઝટકો, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ ગઠબંધનનો ઇનકાર કર્યો

Back to top button