
પુણેમાં ચર્ચાસ્પદ બનેલા કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલની એક સિક્રેટ સ્નેપચેટ ચેટ સામે આવી છે, જેમાં તેણે લગ્ન અંગે કરેલી એક ટિપ્પણી તપાસ એજન્સીઓ માટે મહત્વનો પુરાવો બની શકે છે. આ ચેટ કેતનની હત્યાના લગભગ 24 દિવસ પહેલાંની હોવાનું કહેવાય છે અને પોલીસે તેની સત્યતા ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે.
‘આ લગ્ન થવાના નથી’ લખેલા મેસેજે વધારી શંકા
માહિતી મુજબ, 25 મેના રોજ સિયાએ પોતાની એક મિત્ર સાથે સ્નેપચેટ પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે લગ્નની ટિકિટ બુક કરવા માટે મિત્રનું આધાર કાર્ડ માગ્યું હતું. જોકે સૌથી વધુ ચર્ચામાં રહેલો મેસેજ એ હતો કે, “લગ્નની ટિકિટ માટે આધાર કાર્ડની આગળ-પાછળની કોપી મોકલી દે, આ લગ્ન તો થવાના જ નથી, છતાં મોકલી દે.” તપાસ અધિકારીઓ માની રહ્યા છે કે આ મેસેજ માત્ર મજાક હતો કે પછી અગાઉથી ઘડાયેલા કોઈ કાવતરાનો સંકેત હતો, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
નવેમ્બરમાં લગ્ન નક્કી હતા, જૂનમાં બની ગઈ હત્યા
કેતન અગ્રવાલ અને સિયા ગોયલની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી અને બંનેના લગ્ન નવેમ્બર મહિનામાં થવાના હતા. પરંતુ આરોપ છે કે 18 જૂનના રોજ સિયાએ પોતાના નજીકના મિત્ર ચેતન ચૌધરી સાથે મળીને પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લા પરથી કેતનને ધક્કો મારી તેની હત્યા કરી હતી.
કોડવર્ડ અને ઇમોજીમાં થતી હતી વાતચીત
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સિયા અને ચેતન સામાન્ય ભાષામાં નહીં પરંતુ કોડવર્ડ, નિકનેમ અને અલગ-અલગ ઇમોજીનો ઉપયોગ કરીને વાતચીત કરતા હતા. બંનેના મોબાઈલમાંથી ડિલીટ કરાયેલો મોટો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. હવે આ સાંકેતિક ભાષાનો અર્થ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. શુક્રવારે પોલીસે સિયાના ઘરેથી વધુ એક મોબાઈલ પણ જપ્ત કર્યો હતો, જે અગાઉ છુપાવી રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપકરણને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યું છે.
કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
વડગાંવની અદાલતે સિયા ગોયલ અને ચેતન ચૌધરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બંનેને યરવડા જેલમાં રાખવામાં આવશે. પોલીસે વધુ પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે સ્વીકારી નહોતી. સુનાવણી દરમિયાન બંને આરોપીઓએ પોલીગ્રાફ અથવા નાર્કો ટેસ્ટ માટે સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટનું કહેવું હતું કે આરોપીઓની સંમતિ વિના આવી તપાસ કરાવી શકાય નહીં.
તપાસમાં ત્રીજા વ્યક્તિની ભૂમિકા પણ સામે આવી
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને હવે આ કેસમાં ત્રીજી વ્યક્તિની સંડોવણી હોવાની પણ શંકા છે. બીડ જિલ્લાના એક યુવકને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે બાલેવાડી સ્થિત એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રાથમિક માહિતી પ્રમાણે આ યુવક સિયા અથવા કેતનમાંથી કોઈ એકનો નજીકનો મિત્ર હોઈ શકે છે. એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે હત્યાના કાવતરાની જાણ તેને અગાઉથી હતી. જો તેની ભૂમિકા ગુનામાં સીધી નહીં હોય તો પોલીસ તેને સાક્ષી બનાવી શકે છે.
19 દિવસમાં તૈયાર થયો હત્યાનો પ્લાન
પોલીસ તપાસ મુજબ હત્યાની આખી યોજના લગભગ 19 દિવસમાં અમલમાં મુકાઈ હતી.
- 31 મે: લોહગઢ કિલ્લાની મુલાકાત દરમિયાન સિયાના મનમાં હત્યાનો વિચાર આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું.
- 5 જૂન: સિયાએ ફરી કિલ્લા પર જવાની જીદ કરી, પરંતુ કેતન તૈયાર થયો નહીં. બાલી પ્રવાસ અટકાવવા માટે સિયાએ તેનો પાસપોર્ટ પણ છુપાવી દીધો હોવાનો આરોપ છે.
- 14 જૂન: કિલ્લા પર પહેલી વખત ધક્કો મારવાનો પ્રયાસ થયો, પરંતુ ઝાડનો ટેકો મળતાં કેતનનો જીવ બચી ગયો. સિયાએ સાપથી બચાવવા માટે ધક્કો માર્યો હોવાનું બહાનું આપ્યું હતું.
- 18 જૂન: પ્રી-વેડિંગ ફોટોશૂટના બહાને ફરી લોહગઢ લઈ જવાયો. અહીં ચેતન ચૌધરી પણ હાજર હતો. યોગ્ય તક મળતાં બંનેએ મળીને કેતનને ખીણ તરફ ધક્કો મારી દીધો, જેમાં તેનું મોત થયું.
પરિવાર પર દુઃખનો ડબલ આઘાત
કેતન અગ્રવાલના મૃત્યુના માત્ર 15 દિવસ બાદ તેમના દાદા દેવીચંદ અગ્રવાલનું પણ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. પરિવાર માટે આ ઘટના ડબલ આઘાત સમાન બની છે.
પોલીસ દરેક ડિજિટલ પુરાવાની તપાસમાં વ્યસ્ત
હાલ પોલીસે મોબાઈલ ડેટા, સોશિયલ મીડિયા ચેટ, સ્નેપચેટ મેસેજ, કૉલ રેકોર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે કેસની દરેક કડી જોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સ્નેપચેટ પર મળેલો “આ લગ્ન તો થવાના જ નથી” જેવો મેસેજ હવે તપાસમાં મહત્વપૂર્ણ કડી બની શકે છે. જોકે, આ ચેટનો અંતિમ અર્થ અને તેનો હત્યા સાથે સીધો સંબંધ હતો કે નહીં, તે અંગેનો નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: વડોદરામાં મગરનો જીવલેણ હુમલો, ઓરસંગ નદીમાં માછીમારી કરતા આધેડને ખેંચી ગયો












