જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલો, અજાણ્યા વ્યક્તિએ સ્ટેજ પર આવીને ફેંક્યુ જૂતું

જામનગર: 5 ડિસેમ્બર, 2025: Gopal Italia Attacked: જામનગરના ટાઉનહોલમાં શુક્રવારે (5 ડિસેમ્બર) આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ હાજર હતા. જોકે, ગોપાલ ઈટાલિયાની આ સભામાં હંગામો થયો હતો. હકીકતમાં જ્યારે ઈટાલિયા વક્તવ્ય આપી રહ્યા હતા, ત્યારે એકાએક કોઈ વ્યક્તિ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું
મળતી માહિતી મુજબ, જાહેર સભામાં અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યુ હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી. સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા AAPના કેટલાક કાર્યકરોએ તાબડતોબ હુમલાખોરને પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી. ત્યારબાદ પોલીસે હુમલાખોરની અટકાયત કરી હતી.
હુમલાખોર પર તૂટી પડનાર નેતાઓનું જોડાણ
આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભળાટ મચાવી દીધો હતો. હુમલાખોર પર આક્રમક રીતે પ્રતિકાર કરનારા લોકોમાં બે રાજકીય ચહેરાઓ સામેલ હતા:
- જેનબબેન ખફી:સફેદ કપડાંમાં જોવા મળેલાં આ મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ છે.
- અસલમ ખિલજી:મહિલા સાથે હુમલાખોર સામે લડી રહેલા આ યુવાન અપક્ષ કોર્પોરેટર છે, જેઓ અગાઉ કોંગ્રેસમાં હતા.
AAPમાં જોડાણ દરમિયાન જ વિવાદ
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમ જેનબબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાના મુદ્દે જ આયોજિત કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આ નેતાઓ AAPમાં જોડાવાના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન જ ગોપાલ ઈટાલિયા પર હુમલો થતાં, રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે અને આ ઘટનાએ રાજકીય જોડાણના માહોલમાં અચાનક વિવાદ ઊભો કર્યો છે. પોલીસે હુમલાખોરની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.












