કયા ડરને કારણે 21 વર્ષનો છોકરો અને તેની 19 વર્ષની મિત્ર હોટલના બીજા માળેથી કૂદી પડ્યા?

શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, હિન્દુ સંગઠનો દ્વારા નૈતિક પોલીસિંગના ડરથી એક યુગલ પિઝા શોપના બીજા માળેથી કૂદી પડ્યું. આ ઘટના શનિવારે સાંજે બની હતી. બીજા માળેથી કૂદકો મારતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ યુગલ કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોરહમાં એક પ્રખ્યાત પિઝા કાફેમાં આવ્યું હતું. તેઓએ નૂડલ્સનો ઓર્ડર આપ્યો અને ભોજનની રાહ જોઈ રહ્યા હતા તેવામાં સ્થાનિક હિન્દુ સંગઠનના કેટલાક સભ્યો તેમની પાસે આવ્યા. તેઓએ યુગલને તેમની મુલાકાતનું કારણ અને તેમના સંબંધ વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.
વાયરલ થવાના ડરથી હોટલના બીજા માળેથી કૂદી ગયા
જ્યારે તેઓએ યુગલની જાતિ વિશે પૂછ્યું, ત્યારે મામલો વધુ ગંભીર બન્યો. યુગલે તેમને કહ્યું કે તેઓ બંને હિન્દુ છે, છતાં પણ આ જૂથ શાંત થયું નહીં. તેના બદલે, તેઓએ તેમના મોબાઇલ ફોન પર યુગલનું ફિલ્માંકન કરવાનું શરૂ કર્યું. વીડિયો વાયરલ થશે અને હુમલો થશે તે ડરથી, યુગલે ભાગી જવાનો પ્રયાસ કર્યો. જ્યારે જૂથે બહાર નીકળવાના બધા રસ્તા બંધ કરી દીધા, ત્યારે 21 વર્ષીય યુવક અને તેની 19 વર્ષીય મિત્ર બારીના કાચ હટાવીને નીચે કૂદી પડ્યા. બંને ઘાયલ થયા હતા અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
યુગલના હાથ-પગ ભાંગી ગયા
કૂદકો મારવાથી બંનેને અનેક ફ્રેક્ચર અને આંતરિક ઇજાઓ થઈ હતી. ઘટનાસ્થળે રેકોર્ડ કરાયેલા વીડિયોમાં પિઝા કાફેના કર્મચારીઓ અને મેનેજર ભાગી જતા દેખાય છે. પોલીસ આવી ત્યારે દુકાન પર તાળુ લાગેલુ હતુ. પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે યુગલની પ્રાથમિક માહિતી માટે પૂછપરછ કરી હતી. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી, તેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ કહે છે કે ફરિયાદ મળતાં જ તેઓ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: માત્ર બદરીનાથ-કેદારનાથ જ નહિ, આ 48 સ્થળોએ પણ બિન-હિન્દુઓની એન્ટ્રી રોકવાની તૈયારી, જુઓ લિસ્ટ












