ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં પ્રદૂષણ સામે કડક કાર્યવાહી: બહારનાં વાહનોની એન્ટ્રી પર નિયંત્રણ, બોર્ડર પર ચેકિંગ અને વોટ્સએપ ગ્રૂપથી નજર

Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસે કડક પગલાં લેવાની તૈયારી કરી છે. આગામી દિવસોમાં હવાની ગુણવત્તામાં ખાસ સુધારો થવાની શક્યતા ઓછી હોવાથી દિલ્હી પોલીસ અને સંબંધિત એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત દિલ્હીની સરહદો પર વાહનોનું સઘન ચેકિંગ, પ્રદૂષણ ફેલાવતી બસોનો પ્રવેશ અટકાવવો અને બહારનાં વાહનો પર લાગુ નિયંત્રણોનું કડક પાલન કરાવવાનો સમાવેશ થાય છે. વિવિધ એજન્સીઓ વચ્ચે ઝડપી સંકલન માટે વિશેષ વોટ્સએપ ગ્રૂપ પણ બનાવવામાં આવશે.

આગામી પાંચ દિવસ સુધી પ્રદૂષણથી રાહત નહીં?

દિલ્હીમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન વાયુ પ્રદૂષણના સ્તરમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે. અનુમાન મુજબ દિલ્હીના પ્રદૂષણમાં પરાળી સળગાવવાથી થતા ધુમાડાનો હિસ્સો 15 ટકા સુધી પહોંચી શકે છે. સાયન્સ મેગેઝીન ‘એન્વાયર્નમેન્ટલ પોલ્યુશન’માં પ્રકાશિત સંશોધન મુજબ પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિને કારણે દિલ્હીમાં પ્રદૂષિત હવા સતત પાંચ દિવસ સુધી એક જ વિસ્તારમાં અટવાઈ રહી શકે છે. જામિયા, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં તાપમાનને મહત્ત્વપૂર્ણ પરિબળ ગણાવવામાં આવ્યું છે.

નિયમોનું પાલન ન કરતી બસોને બોર્ડર પરથી જ પરત મોકલાશે

દિલ્હી ટ્રાફિક પોલીસે ગુરુવારે પાડોશી રાજ્યોની પોલીસ અને સંબંધિત એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નિર્દેશોનો અસરકારક અમલ કરાવવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકની અધ્યક્ષતા કરનારા સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) અજય ચૌધરીએ નિયમોનું પાલન ન કરતી આંતરરાજ્ય અને આંતરશહેરી બસોને દિલ્હી પ્રવેશતા પહેલાં જ અટકાવવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી બસોને દિલ્હીમાં પ્રવેશ આપ્યા બાદ અન્ય રસ્તે વાળવાથી ટ્રાફિકજામ સર્જાય છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. તેથી હવે નિયમોનું ઉલ્લંઘન કરતી બસોને બોર્ડર પરથી જ વૈકલ્પિક માર્ગે મોકલવામાં આવશે.

માત્ર EV, CNG અને BS-6 ડીઝલ બસોને જ મંજૂરી

હાલના લાગુ નિયમો અનુસાર, દિલ્હીમાં ઇલેક્ટ્રિક (EV), CNG અને BS-6 ડીઝલ બસોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. નિર્ધારિત ધોરણોનું પાલન ન કરતી બસો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન દિલ્હી બહાર નોંધાયેલા વાહનો માટે લાગુ પ્રવેશ પ્રતિબંધોનું કડક પાલન કરાવવામાં આવશે. જોકે સરકાર દ્વારા જાહેર કરાયેલી છૂટછાટ મેળવતાં વાહનોને નિયમો અનુસાર પ્રવેશ આપવામાં આવશે. દિલ્હીની સરહદો પર પ્રતિબંધિત વાહનોના પ્રવેશ અંગે માહિતી આપતાં સાઇનબોર્ડ પણ લગાવવામાં આવશે, જેથી વાહનચાલકોને નિયમોની સ્પષ્ટ જાણકારી મળી શકે.

બોર્ડર પર સંયુક્ત ટીમો કરશે વાહનોનું ચેકિંગ

વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હીની વિવિધ સરહદો પર પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત એન્ફોર્સમેન્ટ ટીમો તૈનાત કરવામાં આવશે. આ ટીમો વાહનોના દસ્તાવેજો, પ્રવેશ માટેની પાત્રતા અને નો-એન્ટ્રીના સમયનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરશે. નિર્ધારિત માર્ગ છોડીને અન્ય રસ્તે જતા અથવા ક્ષમતા કરતાં વધુ માલસામાન ભરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બાંધકામ અને તોડફોડમાંથી નીકળતો કાટમાળ નિયમોનો ભંગ કરીને લઈ જતા વાહનો સામે પણ કડક પગલાં લેવામાં આવશે.

ધૂળનું પ્રદૂષણ ઘટાડવા પાણીનો છંટકાવ કરાશે

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માટે વાહનો ઉપરાંત રસ્તાઓ અને બાંધકામ સ્થળોએથી ઊડતી ધૂળ પણ જવાબદાર છે. તેને ધ્યાનમાં રાખીને નગર નિગમ અને સંબંધિત એજન્સીઓને ધૂળ નિયંત્રણના નિયમોનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ અને બાંધકામ સ્થળોએ નિયમિત પાણીનો છંટકાવ કરવા તેમજ બાંધકામ સંબંધિત કામગીરીમાં જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વોટ્સએપ ગ્રૂપથી તમામ એજન્સીઓ વચ્ચે સંકલન

પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં ઝડપથી અમલમાં મૂકવા દિલ્હી ટ્રાફિક પોલીસ વિશેષ વોટ્સએપ ગ્રૂપ બનાવશે. તેમાં પોલીસ, પરિવહન વિભાગ, નગર નિગમ અને અન્ય સંબંધિત એજન્સીઓના અધિકારીઓને જોડવામાં આવશે. આ ગ્રૂપ દ્વારા સરકારી નિર્દેશો, વાહન ચેકિંગ અને વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની માહિતી તાત્કાલિક શેર કરવામાં આવશે. તેના કારણે નિયમોના અમલ પર નજર રાખવામાં સરળતા રહેશે. ટ્રાફિક પોલીસના ડીસીપી એસ.કે. સિંહના જણાવ્યા અનુસાર, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં નક્કી કરવાનો અને તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવાનો હતો.

વાહનચાલકોને PUC સર્ટિફિકેટ રાખવા અપીલ

દિલ્હી પોલીસે વાહનચાલકોને માન્ય પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ રાખવાની અપીલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા પગલાંનો મુખ્ય ઉદ્દેશ વાહનોથી થતા હાનિકારક ઉત્સર્જનમાં ઘટાડો કરીને દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. જોકે વધતા પ્રદૂષણ અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખતાં આગામી દિવસોમાં દિલ્હીના લોકોને પ્રદૂષિત હવાથી તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.

આ પણ વાંચોઃ દવાઓ પર 700% અને તબીબી પુરવઠા પર 1,000% સુધીનું માર્જિન, જાણો હોસ્પિટલો અને દવા કંપનીઓ તમને કેવી રીતે લૂંટે છે?
Back to top button