ટ્રેન્ડિંગમનોરંજન

એક માણસથી મારું મન નથી ભરાતું, એક્ટ્રેસ શહાના ગોસ્વામીએ સંબંધોની નવી પરિભાષા રજૂ કરી

shahana goswami open relationship : બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી શહાના ગોસ્વામી હાલમાં તેના ફિલ્મી કામ કરતા પણ વધુ તેના અંગત જીવનને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે. એક પોડકાસ્ટમાં તેમણે આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા અંગે નવી ચર્ચા છેડાઈ છે.

શહાનાએ ખૂબ જ સ્પષ્ટતાથી સ્વીકાર્યું છે કે તે પરંપરાગત સંબંધોમાં માનતી નથી અને તેના માટે પ્રેમ કોઈ એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી. તેમની આ નિખાલસતાએ જ્યાં ઘણા લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે, ત્યાં યુવા પેઢીના એક વર્ગ દ્વારા આ વિચારની પ્રશંસા પણ થઈ રહી છે.

સંબંધોમાં ‘પારદર્શિતા’ જ સૌથી મોટો આધાર

પોડકાસ્ટમાં વાત કરતા શહાનાએ ખુલાસો કર્યો કે તે હાલમાં કોઈ એક પ્રાથમિક જીવનસાથી સાથે જોડાયેલી નથી. તેના જીવનમાં એવા ઘણા લોકો છે જેની સાથે તે ભાવનાત્મક અને શારીરિક રીતે જોડાયેલી છે. અભિનેત્રીએ ભારપૂર્વક કહ્યું કે, “મારા સંબંધોમાં કશું છુપાયેલું નથી. મારા દરેક પાર્ટનર જાણે છે કે હું અન્ય લોકો સાથે પણ જોડાયેલી છું.” તેના મતે, ખુલ્લા સંબંધો એટલે માત્ર શારીરિક આકર્ષણ નહીં, પરંતુ એકબીજા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને પ્રામાણિકતા છે. તે માને છે કે જો બે લોકો વચ્ચે ખુલ્લી વાતચીત હોય, તો સંબંધ વધુ ગાઢ અને મજબૂત બને છે.

પ્રેમ એટલે સ્વતંત્રતા, કેદ નહીં

શહાનાએ વધુમાં ઉમેર્યું કે, “પ્રેમ કોઈને બાંધી રાખવા માટે નથી, પરંતુ વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા આપવા માટે છે.” જોકે, તેણે સ્વીકાર્યું કે આ માર્ગ સરળ નથી. આવા સંબંધોમાં ઈર્ષ્યા, ડર અને અસલામતી જેવા પડકારોનો સામનો કરવો પડે છે. ગ્લેમરની દુનિયામાં બહારથી આ બધું ભલે આકર્ષક લાગે, પણ વાસ્તવિક જીવનમાં તેને નિભાવવું એ એક મોટી કસોટી સમાન છે.

મિલિંદ સોમન સાથેનો એ ‘પાગલ ચાહક’ વાળો કિસ્સો

આ ઈન્ટરવ્યુમાં શહાનાએ મિલિંદ સોમન સાથેના તેમના જૂના સંબંધોના રસપ્રદ પાના પણ ખોલ્યા હતા. 16-17 વર્ષની ઉંમરે મિલિંદની એક ફિલ્મ જોઈને તે તેમની એટલી મોટી ફેન બની ગઈ હતી કે તેણે મિલિંદનો નંબર શોધીને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. લગભગ છ વર્ષ સુધી બંને માત્ર ટેક્સ્ટ મેસેજ દ્વારા સંપર્કમાં રહ્યા અને ત્યારબાદ તેઓ રિલેશનશિપમાં આવ્યા હતા. જોકે, 2013માં બંને અલગ થઈ ગયા હતા.

શહાનાના મતે, તેમનું બ્રેકઅપ પ્રેમ ન હોવાને કારણે નહીં, પરંતુ જીવનના અલગ-અલગ દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓને કારણે થયું હતું.

શહાના ગોસ્વામીનું આ નિવેદન સાબિત કરે છે કે તે પોતાની શરતો પર જીવવામાં માને છે. સમાજના પરંપરાગત માળખા કરતા પોતાની ખુશી અને પ્રામાણિકતાને મહત્વ આપતી અભિનેત્રીના આ વિચારો બોલિવૂડમાં નવી વિચારધારાને જન્મ આપી રહ્યા છે.

આ પણ વાંચો: મેડમની આ સ્‍માઈલ પર ફિદા થયા જયપુરના ‘બોસ’: હનીટ્રેપમાં ફસાઈને 90 લાખ ગુમાવ્યા

Back to top button