48 કલાકમાં ઈરાન પર અમેરિકાનો બીજો હુમલો, ધડાકાઓથી અફરાતફરી

Second US attack on Iran in 48 hours: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. એક તરફ યુદ્ધ અટકાવવા માટે શાંતિ ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકી સેનાના હુમલાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં બીજી વાર અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર દક્ષિણ ઈરાનમાં ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (IRGC) સાથે જોડાયેલા સૈન્ય બેઝ અને ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાથે જ હોર્મુઝ જળસંધિ નજીક IRGCની બોટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલા દરમિયાન ઈરાનના મહત્વપૂર્ણ બંદર શહેર બંદર અબ્બાસના પૂર્વ વિસ્તારમાં સતત ત્રણ જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
CENTCOMના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે આ કાર્યવાહી આત્મરક્ષાના ભાગરૂપે કરવામાં આવી છે. અમેરિકાનો દાવો છે કે હોર્મુઝ જળસંધિમાં સમુદ્રી વેપાર અને પોતાના સૈનિકોની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમેરિકી દાવા મુજબ IRGC દ્વારા દરિયામાં માઇન્સ પાથરવાની કોશિશ થઈ રહી હતી.
ઈરાનના સ્થાનિક મીડિયાએ હુમલાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 1:30 વાગ્યે બંદર અબ્બાસના પૂર્વ વિસ્તારમાં એક પછી એક ત્રણ ધડાકા થયા હતા. ધડાકાઓ બાદ ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગયું હતું અને આકાશમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે અત્યાર સુધી કોઈ મોટા નુકસાનની સત્તાવાર માહિતી સામે આવી નથી.
બીજી તરફ ઈરાને અમેરિકાના હુમલાઓની કડક નિંદા કરી છે. ઈરાને આ કાર્યવાહી ceasefireના ઉલ્લંઘન સમાન ગણાવી અમેરિકાને ચેતવણી આપી છે કે કોઈપણ આક્રમક કાર્યવાહીનો કરારો જવાબ આપવામાં આવશે. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા એક તરફ શાંતિની વાત કરે છે અને બીજી તરફ હુમલા ચલાવે છે, જે સ્વીકાર્ય નથી.
વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો આ તણાવ સમગ્ર મિડલ ઈસ્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હોર્મુઝ જળસંધિ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.












