સંજય કપૂરની બહેને 30,000 કરોડના પ્રોપર્ટી વિવાદ પર કર્યો ચોંકાવનારો ખુલાસો

- મંધિરાએ સંજય કપૂરની કંપની સોના કોમસ્ટાર પર આરોપ લગાવ્યો છે. તેણે ANI ને જણાવ્યું હતું કે અમારી સાથે અજાણ્યાઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ ઉદ્યોગપતિ સંજય કપૂરના મૃત્યુ પછી , પરિવારમાં તેમની 30,000 કરોડ રૂપિયાની સંપત્તિને લઈને ઊંડો વિવાદ શરૂ થયો છે. આ વિવાદમાં તેમની ભૂતપૂર્વ પત્ની અને અભિનેત્રી કરિશ્મા કપૂર અને હાલની પત્ની પ્રિયા સચદેવ કપૂરના નામ પણ સામે આવી રહ્યા છે. હવે સંજયની બહેન મંધિરા કપૂરે આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે પરિવાર સાથે થઈ રહેલા દુર્વ્યવહાર અંગે ગંભીર આરોપો લગાવ્યા છે.
મંધિરા કપૂરના આરોપો
મંધિરાએ સંજય કપૂરની કંપની સોના કોમસ્ટાર પર આરોપ લગાવ્યો છે. તેણે ANI ને જણાવ્યું હતું કે અમારી સાથે અજાણ્યાઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સંજયના મૃત્યુ પછી જારી કરાયેલા શોક સંદેશમાં પણ અમારું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. મારી માતાએ તેમને અમારું નામ પણ સામેલ કરવા વિનંતી કરી હતી. મારા પિતાએ આ બધું એટલા માટે નહોતું બનાવ્યું કે પરિવાર અલગ થઈ જાય. અમારી સાથે અજાણ્યાઓ અને બહારના લોકો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
તેણે વધુમાં ઉમેર્યું કે આ બધું મારા પિતાએ કર્યું છે તો બધા લોકો તેનો શ્રેય કેવી રીતે લઈ રહ્યા છે અને કેવી રીતે બધું છીનવી રહ્યા છે? મારી માતા જે જીવિત છે, તેને આમાં કોઈ લેવા-દેવા નથી. મને અને મારી બહેનને ફક્ત ગો ટુ હેલ કહી દેવામાં આવ્યું હતું. અમારા નામનો ઉલ્લેખ કોઈ મૃત્યુપત્રમાં કરવામાં આવ્યો ન હતો. અમને ક્યાંય પણ કોઈ પણ વસ્તુમાં સામેલ કરવામાં આવ્યા નહીં. તમે તેને અમારી પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ તે અમારા લોહીમાં છે.”
માતા સાથે અન્યાય થઈ રહ્યો છે
સંજયની બહેન મંધિરાએ જણાવ્યું કે મારી માતાને કહી દેવું કે તેમને કંપની સાથે કોઈ લેવાદેવા નથી, આ ખૂબ ક્રૂર વાત છે. તેઓ 80 વર્ષના છે. તેમણે તેમના પતિ સાથે મળીને આ વારસો બનાવ્યો છે. આજે અમને કહેવામાં આવી રહ્યું છે કે અમારો તેના પર કોઈ અધિકાર નથી.
તેણે એમ પણ કહ્યું કે પ્રિયા સચદેવે તેની માતાને દિલ્હીના ઘરમાં રહેવાનું સૂચન કર્યું હતું, પરંતુ માતા તે ઘરમાં પાછા ફરવાની સ્થિતિમાં નથી. મંધિરાના મતે પિતાના મૃત્યુ પછી, માતાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાને સંભાળી હતી. હવે પુત્રના મૃત્યુ પછી, તે ઘરમાં પાછા જવાનું તેના માટે ખૂબ જ ભાવનાત્મક અને મુશ્કેલ હશે.
રાની કપૂરના આરોપો
રાની કપૂરે પોતાના પુત્રના મૃત્યુને ‘રહસ્યમય’ ગણાવ્યું છે અને બ્રિટિશ એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી છે. તે કહે છે કે તેને દસ્તાવેજો પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેના પર નાણાકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેણે કંપનીના કાર્યપદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
જોકે સંજયની કંપની સોના કોમસ્ટારે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રાની કપૂરનો 2019 થી કંપની સાથે કોઈ સંબંધ નથી. કંપનીએ તેમને ‘ખોટા આરોપો’ કરવા બદલ કાનૂની નોટિસ પણ મોકલી છે.
સંજય કપૂરના લગ્ન અને રહસ્યમય મૃત્યુ
સંજય કપૂરનું 12 જૂનના રોજ ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન અવસાન થયું હતું. તેમના નજીકના મિત્ર સુહેલ સેઠે જણાવ્યું હતું કે રમત દરમિયાન મધમાખી ગળી જવાથી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં હૃદયરોગના હુમલાને જ કારણ ગણાવ્યું હતું, પરંતુ વધુ વિગતો શેર કરી ન હતી.
સંજયે ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન 1996માં ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે થયા હતા, જે ચાર વર્ષ પછી તૂટી ગયા હતા. 2003માં તેમણે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા અને આ દંપતીને બે બાળકો હતા – સમાયરા અને કિયાન. 2016માં તેમના છૂટાછેડા થયા. ત્યારબાદ તેમણે 2017માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેમને એક પુત્ર, અઝારિયાસ છે. તેમના મૃત્યુ સમયે પ્રિયા તેમની પત્ની હતી.
આ પણ વાંચોઃ માત્ર 101 રૂપિયા મહેનતાણું; બેબી ડોલ ફેમ સિંગરે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનું સત્ય ઉજાગર કર્યું












