માત્ર 101 રૂપિયા મહેનતાણું; બેબી ડોલ ફેમ સિંગરે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનું સત્ય ઉજાગર કર્યું

મુંબઈ, 18 ઓગસ્ટ 2025: ‘બેબી ડોલ’ અને ‘ચિટ્ટિયાં કલૈયાં’ જેવા બ્લોકબસ્ટર ગીતો ગાનાર બોલિવૂડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂરએ ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કડવા સત્યનો પર્દાફાશ કર્યો છે. ઉર્ફી જાવેદના શો ‘બંક વિથ ઉર્ફી’માં કનિકાએ એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેનાથી ઇન્ડસ્ટ્રીમાં ચકચાર મચી શકે છે. કનિકાએ જણાવ્યું કે ભારતમાં ગાયકોને ગીતો માટે નજીવી ફી મળે છે અને તેમની કમાણીના અન્ય સ્ત્રોત પણ હોય છે.
ગીતના માત્ર 101 રૂપિયા મળે છે
ઉર્ફીએ જ્યારે કનિકાને તેમના એક વાયરલ ગીત વિશે પૂછ્યું, જેના માટે તેમને ફી નહોતી મળી, તો કનિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કહ્યું, “સિંગર્સને ખરેખર ગીતો માટે પૈસા મળતા નથી. હું તમને બધા કોન્ટ્રાક્ટ બતાવી શકું છું, મને 101 રૂપિયા મળ્યા હતા. તેઓ કહે છે કે તેઓ તમને ગીત આપીને ઉપકાર કરી રહ્યા છે. હું તમને ભારતના સૌથી મહાન સિંગર વિશે પણ કહી શકું છું, હું નામ નહીં લઉં, પણ એ સ્પષ્ટ છે. મને નથી લાગતું કે તેમને પણ તેમના મોટાભાગના શ્રેષ્ઠ ગીતો માટે પેમેન્ટ મળી હશે, કે ન તો તેમને રોયલ્ટી કે પબ્લિશિંગ રાઇટ્સ મળે છે. ભારતમાં આવું કંઈ જ નથી.”
સિંગરની કમાણીનો સ્ત્રોત શું?
આ ખુલાસા બાદ ઉર્ફીએ પૂછ્યું કે તો ગાયકોની કમાણીનો સ્ત્રોત શું છે? આના જવાબમાં કનિકાએ કહ્યું, “જ્યાં સુધી તમારો અવાજ કામ કરે છે અને તમે લાઇવ શો કરી શકો છો, ત્યાં સુધી જ તમને પૈસા મળશે. જો કાલે કંઈ થઈ જાય તો સિંગર્સ માટે કોઈ પેન્શન યોજના પણ નથી.”
કનિકા કપૂરનું વર્કફ્રન્ટ
કનિકા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેમણે ‘રાગિની MMS 2’ માટે ‘બેબી ડોલ’, ‘રોય’ માટે ‘ચિટ્ટિયાં કલૈયાં’, ‘હેપ્પી ન્યૂ યર’ માટે ‘લવલી’, ‘એક પહેલી લીલા’ માટે ‘દેસી લુક’, અને ‘એ ફ્લાઇંગ જટ’ માટે ‘બીટ પે બૂટી’ જેવા હિટ ગીતો ગાયા છે. તેમનું ‘બેબી ડોલ’ ગીત ખાસ કરીને ખૂબ જ લોકપ્રિય થયું હતું અને તેમની ઓળખ બની ગયું.
કનિકા કપૂરના આ ખુલાસાએ ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા સામે આવી છે, જે દર્શાવે છે કે ગાયકોને તેમના હિટ ગીતો માટે નજીવી ચૂકવણી મળે છે અને તેમની મુખ્ય આવકનો સ્ત્રોત લાઇવ શો છે. આ ખુલાસાએ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સની નાણાકીય સ્થિતિ અને રોયલ્ટીના અભાવ અંગે ચર્ચા શરૂ કરી છે, જે ભવિષ્યમાં મોટો વિવાદ બની શકે છે.
આ પણ વાંચો : વિરોધ પક્ષોએ અપનાવી ધાકધમકીની નીતિઃ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આ પગલું લઈ શકે છે












