નેશનલ

સાધુએ બે મિત્રોને નશીલી ચા પીવડાવી, ઝેરનું ઇન્જેક્શન આપી જીવતા દાટી દીધા, બાગપત ડબલ મર્ડર કેસમાં સનસનાટીભર્યો ખુલાસો

Baghpat Double Murder Solved: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના લહાચૌરા ગામ સ્થિત શ્રી ગણેશ મંદિર પરિસરમાં બનેલી એક અત્યંત સનસનાટીભર્યા ડબલ મર્ડર મિસ્ટ્રીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સટ્ટાબાજીના નંબર, અનૈતિક સંબંધો અને તાંત્રિક વિધિના ચક્રવ્યૂહમાં ઘડાયેલી આ ખૌફનાક યોજનામાં સાધુ નરેશનાથે પોતાના સહયોગી સાથે મળીને 25 જુલાઈના રોજ અંકિત પ્રજાપતિ અને તેના મિત્ર ઈસરારને ચામાં 15 નશીલી ગોળીઓ ભેળવીને બેભાન કર્યા હતા. ત્યારબાદ ઝેરનું ઇન્જેક્શન આપી, બંને શ્વાસ લઈ રહ્યા હતા તે જ હાલતમાં મંદિર પરિસરમાં 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને જીવતા દફનાવી દીધા હતા. હત્યા કર્યા બાદ શાતિર સાધુએ તે જ સ્થળે ઇન્ટરલોકિંગ ટાઇલ્સ લગાવી દીધી હતી અને શબ ઉપર બેસીને 14 દિવસ સુધી પૂજા-પાઠનો ઢોંગ રચ્યો હતો. પોલીસે આ મામલે સાધુના સહયોગી ઉજ્જવલની ધરપકડ કરીને સમગ્ર હત્યાકાંડની કાળી સત્યતા બહાર આણી છે.

અનૈતિક સંબંધો અને સટ્ટાબાજીના વિવાદમાં ઘડાયું કાવતરું

એસપી સૂરજ કુમાર રાયના જણાવ્યા મુજબ, અંકિતની બહેન અવારનવાર સાધુના ઘરે જતી હતી, જેના કારણે અંકિત અને સાધુ નરેશનાથ વચ્ચે રોજબરોજ ઉગ્ર ઝઘડા થતા હતા. આ સિવાય અંકિત અને તેનો મિત્ર ઈસરાર સાધુ પાસે સટ્ટાબાજીના નંબર લેવા આવતા હતા. અંકિત 2000 થી 3000 રૂપિયાનો નાના પાયે સટ્ટો રમતો હતો, જ્યારે સાધુ તેના પર લાખો રૂપિયાનો સટ્ટો રમવા દબાણ કરતો હતો. આ તણાવ અને વિરોધને કારણે સાધુએ અંકિતને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.

25 જુલાઈની ખૌફનાક રાત

25 જુલાઈના રોજ સાધુએ અંકિતને મંદિરે બોલાવ્યો હતો. વિકલાંગ અંકિત પોતાના મિત્ર ઈસરારને બાઇક સાથે મદદ માટે લાવ્યો હતો. મંદિરમાં સાધુના કહેવાથી ઉજ્જવલે ચા બનાવી, જેમાં નરેશનાથે 15 નશીલી ગોળીઓ ભેળવી દીધી. ચા પીધા બાદ બંને બેભાન થતાં જ કારમાંથી ઝેરનું ઇન્જેક્શન આપી દેવાયું. પકડાઈ જવાના ડરથી મંદિર પરિસરમાં જ 4 ફૂટ ઊંડો, 10 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો ખાડો ખોદવામાં આવ્યો. ઉજ્જવલે ખુલાસો કર્યો કે જ્યારે અંકિત અને ઈસરારને ખાડામાં નાખવામાં આવ્યા ત્યારે બંને શ્વાસ લઈ રહ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લગ્નની લાલચમાં ફસાયો ઉજ્જવલ

પૂરણપુર નવાદા ગામનો રહેવાસી ઉજ્જવલ લગ્ન ન થતાં ચિંતિત હતો. સાધુએ 100000 રૂપિયા લેવાને બદલે અંકિતની હત્યામાં મદદ કરવાના બદલામાં લગ્ન કરાવી દેવાનું વચન આપ્યું હતું. હત્યા બાદ સાધુ 8 ઓગસ્ટના રોજ કાર લઈને ફરાર થઈ ગયો હતો. પરંતુ 12 ઓગસ્ટના રોજ તેની પત્નીના સર્વેલન્સ પર મુકેલા ફોન પર ઉજ્જવલે કૉલ કરતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસને ભટકાવવા પ્રયાસ અને સ્મશાનમાં કાળી વિધિ

સાધુ નરેશનાથ પોતાનો ફોન મંદિરમાં છોડી મૃતકોના મોબાઇલ ચાલુ-બંધ કરીને પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. અંકિતના ATM થી તેની બહેને 3 વાર પૈસા ઉપાડતા પોલીસ શરૂઆતમાં મૂંઝવણમાં રહી હતી. ગામલોકોના જણાવ્યા મુજબ સાધુ રાત્રે સ્મશાનમાં કુકડાની બલિ ચડાવતો હતો. પોલીસે મંદિર પરિસરમાંથી ઝેરી ઇન્જેક્શનની ખાલી સિરીંજ અને 15 નશીલી ગોળીઓ રિકવર કરી છે.

પરિવારમાં વ્યાપી ગયેલો ઘેરો કલ્પાંત

અંકિત 6 વર્ષ પહેલાં અકસ્માતમાં વિકલાંગ થયો હતો અને પોતાની 5 બહેનોનો એકનો એક ભાઈ હતો. બીજી તરફ, ઈસરાર તેનો ગાઢ મિત્ર હતો અને તેના ઘરે કામ કરતો હતો. ઈસરારના અકાળ અવસાનથી તેની પત્ની અને 3 માસૂમ બાળકો અનાથ થઈ ગયા છે. હાલમાં પોલીસ ફરાર સાધુ નરેશનાથને ઝડપી પાડવા ચારેતરફ દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો: જાણો કેમ થાય છે ડોપ ટેસ્ટ? નશાના કેટલા દિવસ સુધી મેળવી શકાય છે માહિતી

Back to top button