ટ્રેન્ડિંગનેશનલ

‘હિંદુ કોઈ પણ મંદિરમાં જઈ શકે છે’ જસ્ટિસ નાગરત્નાની ‘સુપ્રીમ’ ટિપ્પણી

Sabarimala Case: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતાના વ્યાપ સાથે જોડાયેલા ઐતિહાસિક મામલે સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આઠમા દિવસે પણ સુનાવણી ચાલુ રહી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “એક હિંદુ આખરે તો હિંદુ જ છે અને તે કોઈ પણ મંદિરમાં જઈ શકે છે.”

હિંદુ સમાજની એકતા પર ભાર

જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું હતું કે, હિંદુ સમાજે એકજૂટ થવું જોઈએ અને મંદિરોએ સંપ્રદાયના આધારે એકબીજાને બહાર ન રાખવા જોઈએ, કારણ કે આવો અલગાવ અંતે સંપ્રદાયને જ નબળો પાડે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દક્ષિણ ભારતમાં પૂજાની વિવિધ પદ્ધતિઓ (શૈવ કે વૈષ્ણવ) હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એક હિંદુ બીજા સંપ્રદાયના મંદિરમાં પ્રવેશ ન કરી શકે. પૂજાની વિશિષ્ટ પદ્ધતિને રક્ષણ પ્રાપ્ત છે, પરંતુ વ્યક્તિના પ્રવેશને નહીં.

‘વોટ્સએપ યુનિવર્સિટી’ પર લાલ આંખ

સુનાવણી દરમિયાન જ્યારે વરિષ્ઠ એડવોકેટ નીરજ કિશન કૌલે શશિ થરૂરના એક લેખનો ઉલ્લેખ કર્યો, ત્યારે જસ્ટિસ નાગરત્નાએ ચેતવણી આપતા કહ્યું કે જ્ઞાનના સ્ત્રોતોનું સ્વાગત છે, પરંતુ “વોટ્સએપ યુનિવર્સિટી” માંથી આવતા જ્ઞાનનું નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પણ આ વાતનું સમર્થન કરતા કહ્યું કે અદાલત તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરે છે, પરંતુ “વ્યક્તિગત મંતવ્ય માત્ર વ્યક્તિગત મંતવ્ય જ હોય છે.”

સામાજિક સુધારામાં રાજ્યની ભૂમિકા

ન્યાયાલયે સામાજિક સુધારાના સંદર્ભમાં રાજ્યની શક્તિ પર પણ ચર્ચા કરી હતી. બેન્ચે નોંધ્યું કે રાજ્ય એ લોકોની ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. જો જનતા કોઈ સામાજિક બદીને સુધારવા માંગતી હોય, તો રાજ્ય પાસે તે શક્તિનો પ્રયોગ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 25(2)(b) હેઠળ સામાજિક સુધારા માટે બનાવવામાં આવેલો કાયદો ધાર્મિક સંપ્રદાયના અધિકારો પર પ્રભાવી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષના મુખ્ય પ્રશ્નો:

  • અનુચ્છેદ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો વ્યાપ કેટલો છે?
  • વ્યક્તિગત અધિકાર અને ધાર્મિક સંપ્રદાયના અધિકારો વચ્ચે શું સંબંધ છે?
  • શું ‘નૈતિકતા’ શબ્દમાં ‘બંધારણીય નૈતિકતા’નો પણ સમાવેશ થાય છે?
  • શું સંપ્રદાયની બહારની વ્યક્તિ PIL દ્વારા તે સંપ્રદાયની પ્રથાઓને પડકારી શકે?

વરિષ્ઠ એડવોકેટ કૃષ્ણન વેણુગોપાલે આ મામલાનું મહત્વ રેખાંકિત કરતા કહ્યું કે આ નિર્ણયની અસર દેશના લગભગ 1.5 અબજ લોકો પર પડશે. અદાલતે સંકેત આપ્યો છે કે સામાજિક સુધારાના નામે ધર્મને ખોખલો ન કરી શકાય, પરંતુ તે જ સમયે તે જનહિત અરજીઓ (PIL) માટે પોતાના દરવાજા સંપૂર્ણપણે બંધ પણ કરી શકે નહીં.

આ પણ વાંચોઃ ‘મારો કોઈ માલિક નથી’: ભારતીય ઝુમકા પહેરીને પીએમ મેલોનીનો ટ્રમ્પને જડબાતોડ જવાબ?

આ પણ વાંચોઃ ક્યારે છે બુદ્ધ પૂર્ણિમા? જાણો સાચી તારીખ, પૂજાનું મહત્વ અને સ્નાન-દાન માટેના શુભ મુહૂર્ત

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button