ફાઇટર જેટ, લેટેસ્ટ S-500 ડિફેન્સ સિસ્ટમ અને મિસાઇલો, રશિયાએ ભારતને કરી હાઇટેક હથિયારોની ઓફર, પાકિસ્તાનને ટેન્શન

નવી દિલ્હી, 19 ઓગસ્ટ, 2025: કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકી હૂમલા બાદ ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં રશિયા પાસેથી ખરીદવામાં આવેલા હથિયારોએ જોરદાર પ્રદર્શન કર્યું હતુ. ખાસ કરીને રશિયા પાસેથી ખરીદવામાં આવેલ S-400 એક ડિફેન્સ સિસ્ટમે 250 કિલોમીટરથી પણ વધુ અંતરે ઉડી રહેલા પાકિસ્તાની અવાક્સ વિમાનોને તોડી પાડ્યા હતા, તેના સિવાય તે સિસ્ટમે પાકિસ્તાની ડ્રોન, મિસાઇલો અને લડાકુ વિમાનોના પ્રવર્તમાન લોકેશન પણ આપ્યા હતા. એવામાં રશિયા ભારત પોતાની જરૂરિયાત અનુસાર વધુ હથિયારો પોતાની પાસેથી ખરીદે તેવુ ઇચ્છે છે. જોકે આ અહેવાલથી પાકિસ્તાનના ટેન્શનમાં જરૂર વધારો થયો છે કેમ કે આવી અત્યાધુનિક સિસ્ટમોએ પાકિસ્તાનને તહસનહસ કરી નાખ્યું હતુ.
રશિયાએ ભારતને સુખોઈ su-57 ફાઇટર જેટ, સુખોઈ su-35 જેટ, હવાથી હવામાં માર કરનાર R-37 મિસાઇલ અને S-500 એર ડિફેન્સ સિસ્ટમ ઓફર કરી છે. ભારતને આ શસ્ત્રોની ખૂબ જ જરૂર છે, પરંતુ અનેક કારણોસર, ભારતે હજુ સુધી રશિયા પાસેથી કોઈ નવા શસ્ત્રો ખરીદવા માટે સંમતિ આપી નથી.
‘સ્ટીલ્થ એરક્રાફ્ટ Su-57 ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે’
રશિયન મીડિયા સ્પુટનિક સાથે વાત કરતા, સેન્ટર ફોર એનાલિસિસ ઓફ વર્લ્ડ આર્મ્સ ટ્રેડના ડિરેક્ટર અને રશિયન નેશનલ ડિફેન્સ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ ઇગોર કોરોટચેન્કોએ જણાવ્યું હતું કે રશિયાના ફ્લેગશિપ સ્ટીલ્થ એરક્રાફ્ટ Su-57 તેમજ લાંબા અંતરની R-37 મિસાઇલો અને S-500 એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેના માટે ક્રાંતિકારી પરિવર્તન સાબિત થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ઘણી નવી રેજિમેન્ટ ખરીદવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.
S-500 પ્રોમિથિયસને 55R6M ટ્રાયમ્ફેટર-M તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક રશિયન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ/એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જે S-400 અને A-235 ABM મિસાઇલ સિસ્ટમનું અપગ્રેડેડ વર્ઝન છે. S-500ને અલ્માઝ-એન્ટે એર ડિફેન્સ કન્સર્ન દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
S-500 વિશે રશિયાનો મોટો દાવો
રશિયાનો દાવો છે કે S-500 નવીનતમ હાઇપરસોનિક શસ્ત્રોને અટકાવવામાં પણ સક્ષમ છે અને આવી ક્ષમતાનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવાનો દાવો કર્યો છે. સુખોઈ Su-57 એક ડબલ-એન્જિન સ્ટીલ્થ મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ છે. રશિયાએ તેને PAK FA પ્રોગ્રામ હેઠળ વિકસાવ્યું છે. Su-57 એ સ્ટીલ્થ ટેકનોલોજીથી રચાયેલ રશિયાનું પહેલું એરક્રાફ્ટ છે. આ ફાઇટર એરક્રાફ્ટ હવાઈ લડાઇ તેમજ જમીન અને દરિયાઇ હુમલા માટે સક્ષમ છે.
આ પણ વાંચોઃ સેન્સેક્સમાં પ્રાંરભિક નરમાઇ બાદ મજબૂતાઇ, નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વધારાતરફી












