ડોલર સામે ભારતીય રુપિયામાં ઐતિહાસિક ઘટાડો

અમેરિકા સાથે ટ્રેડ ડીલ થવામાં થયેલા વિલંબ તેમજ વેપાર ખાદ્યમાં વધારો થવા સહિતના અન્ય પ્રતિકુળ પરિબળો પાછળ વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 84.49ના નવા તળીયે પટકાયો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી 71 પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો 0.79 ટકા ગબડયો હતો.
શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.88.71 વાળા રૂ.88.69 ખુલી નીચામાં ભાવ રૂ.88.60 સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ 89ની સપાટી પાર કરી રૂ 89.49ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ 89.42 બંધ રહ્યા હતા.
આ પૂર્વે રૂપિયામાં રૂ.88.80ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.89ના નવા તળિયાને તોડી રૂ.89.49 સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.90 થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં 102થી 103 સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.












