ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં હવાઈ જહાજોનું રિપેરિંગ, મેઈન્ટેનન્સ થશે ઓગસ્ટથી કામગીરી શરૂ

  • હવાઈ જહાજના કોમર્શિયલ રિપેરિંગ-મેઈન્ટેનન્સને પણ મંજૂરી
  • ભાવનગરના આકાશમાં હવાઈ જહાજોની સતત અવર-જવર પણ વધી
  • મધ્યમ કક્ષા સુધીના હવાઈ જહાજોનું રિપેરિંગ- મેઈન્ટેનન્સ શરૂ થઈ જશે

શિપ બ્રેકિંગ અને શિપ બિલ્ડીંગ જેવા આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં હબ બનેલાં ભાવનગરમાં હવે આગામી દિવસોમાં ૧૦ ટનની કેપેસિટી ઘરાવતાં હવાઈ જહાજના કોર્મશિયલ રિપેરિંગ-મેઈન્ટેનન્સ પણ થઈ શકશે. એરપોર્ટ ઓથોરિટીએ ભાવનગરની એવીએશન કંપનીને ભાવનગર એરપોર્ટ પર જગ્યા ફાળવી હવાઈ જહાજોના રિપેરિંગ કરવા લીલીઝંડી આપી દિધી છે.

ભાવનગરના આકાશમાં હવાઈ જહાજોની સતત અવર-જવર પણ વધી

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ભાવનગરમાં કાર્યરત થયેલાં આ સેન્ટર ખાતે આગામી ઓગસ્ટ માસથી હવાઈ જહાજોના રિપેરિંગ-મેઈન્ટેનન્સની કામગીરી શરૂ થશે. ભાવનગરથી ઉપડતી અને આવતી ડોમેસ્ટિક ફલાઈટ્સની સંખ્યામાં સતત ઘટાડાને લઈ ભાવનગરનું એરપોર્ટ લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યું છે. જો કે,નહીંવત ઉપયોગ સમાન ભાવનગર એરપોર્ટનો બહુહેતુક ઉપયોગ કરવાના હેતુથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભાવનગર એરપોર્ટની બાજૂમાં ફાજલ પડેલી એરપોર્ટ ઓથોરિટીની જગ્યામાં છેલ્લાં એકાદ વર્ષથી ફ્લાઈંગ સ્કૂલને મંજૂરી આપી હતી. જેના પગલે હાલ ભાવનગરમાં સૌપ્રથમ પાઈલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઈ છે જેના કારણે ભાવનગરનું સુષુપ્ત એરપોર્ટ જીવંત થવાની સાથે ભાવનગરના આકાશમાં હવાઈ જહાજોની સતત અવર-જવર પણ વધી છે.

હવાઈ જહાજના કોમર્શિયલ રિપેરિંગ-મેઈન્ટેનન્સને પણ મંજૂરી

એરપોર્ટ ઓથોરિટીએ આ દિશામાં વધુ એક હકારાત્મક નિર્ણય લઈ ભાવનગરની જ એફસી એવિએશન કંપની પ્રા.લિ.ને ભાવનગર એરપોર્ટ પરિસરમાં જ હવાઈ જહાજના કોમર્શિયલ રિપેરિંગ-મેઈન્ટેનન્સને પણ મંજૂરી આપી છે. એફસી એવિએશનના એમ.ડી.કોમલકાંત શર્માએ જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સૈદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે આ કામગીરી માટે ભાવનગર એરપોર્ટની બાજૂમાં રહેલી પાંચ હજાર ચો.મીટર જમીન પણ ઉપયોગ માટે લીઝ પર આપી છે, જેના પર કંપની દ્વારા એમ.આર.ઓ. (મેન્ટેનન્સ,રિપેરિંગ અને ઓપરેશન્સ) કામગીરી થશે. આ પ્રોજેક્ટસને લઈ સ્થળ પર હવાઈ જહાજોના પાર્કિંગ (એપ્રન) અને ડસ્ટ ફ્રી વિશાળ વાતાનુકુલિત શેડ (હેંગર) બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી ઓગસ્ટ માસથી અહીં ૧૦ ટનની કેપેસિટીવાળા નાના અને મધ્યમ કક્ષા સુધીના હવાઈ જહાજોનું રિપેરિંગ- મેઈન્ટેનન્સ શરૂ થઈ જશે.

Back to top button