ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBIનું મોટું પગલું: રૂપિયાને ટેકો આપતા ડોલર સેલ ઓપરેશન તેજ, 5 અબજ ડોલરના વેચાણની યોજના

નવી દિલ્હી, 12 ઓગસ્ટ, 2025: ડોલર સામે સતત ઘસાતા રૂપિયાને રોકવા માટે દેશની બેન્કિંગ રેગ્યુલેટર એવી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ફોરેન એક્સચેંજ માર્કેટમાં મોટો હસ્તક્ષેપ કર્યો છે. જે અંતર્ગત RBI ચાલુ મહિને વિદેશી અને ઘરેલું એમ બન્ને માર્કેટમાં ઓછામાં ઓછા 5 અબજ ડોલરના વેચાણની યોજના છે. આ પગલું ત્યારે ઉઠાવવમાં આવ્યુ છે જ્યારે રૂપિયો ડોલર સામે 87.89 સુધી ઘટી ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 6 ઓગસ્ટે ભારતીય ચીજો પર  આયાત કર 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની ઘોષણા કર્યા બાદ રૂપિયા પર દબાણ વધ્યુ હતું. આ પેનલ્ટી ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદતું હોવાના કારણે લાદવામાં આવી છે.

નબળો રૂપિયો ફુગાવાનું જોખમ ઉભું કરે છે

નબળો રૂપિયો ફક્ત આયાતી માલને જ મોંઘો બનાવતો નથી, પરંતુ ફુગાવામાં પણ વધારો કરી શકે છે અને પહેલાથી જ નબળી આર્થિક રિકવરી પ્રક્રિયાને પણ અસર કરી શકે છે. જો આ હસ્તક્ષેપ ચાલુ રહે, તો જાન્યુઆરી પછી આ RBIનો સૌથી મોટો ડોલરના વેચાણનો મહિનો બની શકે છે. રસપ્રદ વાત એ છે કે, ડિસેમ્બરમાં પદ સંભાળનારા ગવર્નર સંજય મલ્હોત્રાના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી RBIએ પ્રમાણમાં સંયમિત વલણ અપનાવ્યું હતું, પરંતુ આ વખતે વલણ કંઈક અંશે બદલાયું હોય તેવું લાગે છે.

આ વર્ષે રૂપિયામાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે

આ વર્ષે અત્યાર સુધી, રૂપિયામાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે અને આ ઘટાડો લગભગ અડધો ભાગ છેલ્લા બે સપ્તાહોમાં નોંધાયો છે, જ્યારે તે સ્પષ્ટ થઈ ગયું છે કે યુએસ ટેરિફ વધારવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે કરન્સી નિષ્ણાતો કહે છે કે RBIનું આ પગલું વાસ્તવમાં વિનિમય દરમાં તીવ્ર વધઘટને રોકવાનો પ્રયાસ છે, અને કોઈ ચોક્કસ સ્તરને સુરક્ષિત રાખવાનો નથી.

વિદેશી વિનિમય અનામતમાં ઘટાડો

ગયા સપ્તાહે, મુંબઈમાં સ્થાનિક વેપાર શરૂ થવાનો હતો ત્યારે RBI ઘણી વખત સ્થાનિક બજારમાં હસ્તક્ષેપ કરતી જોવા મળી હતી. આ પ્રક્રિયામાં, ‘નોન-ડિલિવરેબલ ફોરવર્ડ’ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મોટા પાયે ડોલર વેચ્યા વિના રૂપિયાના વલણને પ્રભાવિત કરી શકે છે. વિદેશી મુદ્રા અનામતનો ડેટા પણ આ હસ્તક્ષેપ તરફ ઈશારો કરે છે. 1 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, અનામત 9.3 અબજ ડોલર ઘટીને 689 અબજ થઇ હતી, જે નવેમ્બર પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. જો કે, વૈશ્વિક ચલણ મૂલ્યોમાં ફેરફાર પણ આમાં ફાળો આપી શકે છે.

આ પણ વાંચોઃ જંગી નફો કરતી 5 બેન્કોમાં સરકાર પોતાનો હિસ્સો વેચશે! LIC માટે પણ ઓફર ફોર સેલ લાવવાની તૈયારી

Back to top button