ગુજરાતટ્રેન્ડિંગ

રૂ.175નું દૂધનું રિફન્ડ પડ્યું ભારે, નાનકડી ભૂલથી મહિલાએ ગુમાવ્યા 1.91 લાખ રૂપિયા

Rajkot cyber fraud case: રાજકોટમાં એક 63 વર્ષીય મહિલાને ₹175ના રિફંડ માટે સંપર્ક કરવાનું ખૂબ ભારે પડ્યું છે. સાયબર ઠગોએ વોટ્સએપ દ્વારા એક બોગસ (Fake) APK ફાઇલ મોકલીને મહિલાના બેંક ખાતાઓમાંથી ₹1.91 લાખની છેતરપિંડી કરી હતી. મહિલાએ તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને સતર્ક રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાની સલાહ આપી છે.

સોશિયલ મીડિયા અને ઓનલાઇન એપ્સના આ યુગમાં સગવડો વધી રહી છે તેની સાથે જ સાયબર ઠગાઈની નવી નવી રીતો પણ સામે આવી રહી છે. રાજકોટમાંથી એક આવો જ હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જામનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા 63 વર્ષીય નિવૃત્ત મહિલાને માત્ર ₹175નું રિફંડ મેળવવું એટલું મોંઘું પડ્યું કે તેમને ₹1.91 લાખનો ચૂનો લાગી ગયો.

કેવી રીતે થઈ ₹1.91 લાખની છેતરપિંડી?

પોલીસ ફરિયાદ અનુસાર, મહિલાએ ઝેપ્ટો (Zepto) મારફતે દૂધના પાંચ પેકેટ મંગાવ્યા હતા. પેકેટ ખોલતા દૂધ ખરાબ નીકળતા તેમણે ₹175નું રિફંડ મેળવવા ગુગલ પર ઝેપ્ટોનો કસ્ટમર કેર નંબર શોધ્યો હતો. સર્ચ દરમિયાન મળેલા એક મોબાઈલ નંબર પર સંપર્ક કરતા, ફોન ઉપાડનાર વ્યક્તિએ પોતાનું નામ ઇસ્માઇલ અંસારી બતાવીને પોતાને ઝેપ્ટોનો કસ્ટમર કેર કર્મચારી ગણાવી મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો.
ત્યારબાદ આરોપીએ UPI રિફંડ પ્રક્રિયા પૂરી કરવાના બહાને મહિલાને વોટ્સએપ પર જોડી એક APK ફાઇલ મોકલી હતી. ઠગની જાળમાં ફસાઈને મહિલાએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આના દ્વારા ઠગોએ મહિલાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ₹97,072 અને ICICI બેંકના ખાતામાંથી ₹94,262 મળીને કુલ ₹1,91,334 અલગ-અલગ UPI ID અને બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

પોલીસે દર્જ કરી FIR અને આપી ચેતવણી

જ્યારે ખાતામાંથી પૈસા ઉપડી જવાના મેસેજ આવ્યા ત્યારે મહિલાને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે વિલંબ કર્યા વગર તુરંત નેશનલ સાયબર હેલ્પલાઈન 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે નાગરિકોને ચેતવણી
  • કોઈ પણ એપ, બેંક કે કંપનીનો કસ્ટમર કેર નંબર હંમેશા તેમની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ મેળવવો.
  • ગુગલ પર દેખાતા અનેક નંબરો સાયબર ઠગોના નકલી હોઈ શકે છે.
  • કોઈ પણ અજાણી વ્યક્તિ વોટ્સએપ કે અન્ય માધ્યમથી APK ફાઈલ ડાઉનલોડ કરવા કહે તો ક્યારેય ઈન્સ્ટોલ ન કરવી, તેનાથી ફોનનો એક્સેસ ઠગો પાસે જતો રહે છે.
  • રિફંડ મેળવવા માટે ક્યારેય પણ UPI પિન નાખવાની કે પૈસા મોકલવાની જરૂર હોતી નથી.
  • જો તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થાય તો તુરંત 1930 નંબર પર કોલ કરવો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં 30-40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

આ પણ વાંચોઃ 5 વર્ષમાં ચીનથી ભારતની આયાત 39% વધી, છતાં કેમ ઓછી નથી થઈ નિર્ભરતા?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button