ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યાં, 10 લાખ હેક્ટરમાં નુકસાન થતા સર્વેનો આદેશ
- માવઠાના કારણે ગુજરાતનાં ખેડૂતો તબાહ 7 દિવસમાં સર્વેનો આદેશ
- ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ઊભા પાક ધોવાયા છે
- સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને નુકસાન પહોચ્યું
ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યાં છે કારણ કે, ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ઊભા પાક ધોવાયા છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને મોટાપાયે નુકસાન પહોચ્યું છે. તંત્રનો અંદાજ છે કે, આખાય ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકશાન થયું છે.
સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લામાં સૌથી નુકસાન પહોચ્યું હોવાના અહેવાલ
સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લામાં સૌથી નુકસાન પહોચ્યું હોવાના અહેવાલ છે. ત્યારે આગામી દિવસોમાં જ પાક નુકસાનીનો સર્વે કરાશે અને તે આધારે ખેડૂતોને રાહત સહાય ચૂકવાશે. ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે કહેર મચાવતાં ખેતીને નુકશાન થયુ છે. હજુ તો હવામાન વિભાગની આગાહી છે કે, આગામી ત્રણેક દિવસમાં ઘણાં જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.
અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ અને અન્ય પાકોને ભારે ફટકો પડ્યો
બીજી તરફ માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ અને અન્ય પાકોને ભારે ફટકો પડ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારમાં ડાંગર ઉપરાંત રોકડિયા પાકોને નુકસાન પહોચ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ ખેતીના નુકસાનથી બાકાત રહી શક્યુ નથી. કમોસમી વરસાદથી થયેલા પાક નુકશાનની સ્થિતી જાણવા માટે કેબિનેટ મંત્રીઓને જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. જેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી તે આધારે કેબિનેટમાં રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં ભાજપના શાસનમાં મોટો આંતરિક ભડકો












