
ગુજરાતમાં હજુ સુધી વરસાદે વિદાય ન લીધી હોય તેવી આગાહી કરવામાં આવી છે. એક આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાકમાં જ વરસાદનું જોર વધી શકે છે અને આગામી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે. વરસાદના આ નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વિદાય શરૂ થયા પછી પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે.
હવામાન નિષ્ણાતના મતે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 16થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના નથી. પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ તથા સુરતમાં વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંતના મતે વરસાદનો વધુ રાઉન્ડ 22 સપ્ટેમ્બર બાદ જોવા મળી શકે છે.
બંગાળની ખાડીમાં ડિપ્રેશન અથવા તેનાથી મજબૂત સિસ્ટમ બનીને પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. જો આવું થાય તો ગુજરાતના કેટલાક વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ વરસી શકે છે
બંગાળની ખાડીમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં હજુ 2 સિસ્ટમ બની શકે છે. 20-21 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરે સિસ્ટમ બનવાની સંભાવના છે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હશે તો ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તથા મધ્ય ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે.












