IPL 2026: પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ નવા વિવાદમાં, ફ્લાઈટમાં ‘વેપિંગ’ કરતો વીડિયો વાયરલ

Yuzvendra Chahal Controversy: ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી લેગ સ્પિનર અને આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલો યુઝવેન્દ્ર ચહલ અત્યારે મુશ્કેલીમાં મુકાયો હોય તેમ જણાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હૈદરાબાદના પ્રવાસ દરમિયાન ચહલ ફ્લાઈટની અંદર ઈ-સિગારેટ (વેપ) પી રહ્યો હતો. આ વીડિયોમાં ચહલ વેપને છુપાવવાનો પ્રયાસ કરતો પણ કેમેરામાં કેદ થયો છે. જોકે, આ વીડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ચહલનો વીડિયો વાયરલ
અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સે તેમની ટીમના પ્રવાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોના એક ભાગમાં ચહલ કથિત રીતે ઈ-સિગારેટ પીતો જોવા મળ્યો હતો. નેટીઝન્સનું ધ્યાન આ બાબત પર જતા જ વિવાદ શરૂ થયો હતો, જેના પરિણામે પંજાબ કિંગ્સના મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી તે વીડિયો ડિલીટ કરી દીધો છે. પરંતુ ત્યાં સુધીમાં વીડિયોના સ્ક્રીન રેકોર્ડિંગ્સ ઇન્ટરનેટ પર ફેલાઈ ચૂક્યા હતા.
નિયમોનું ઉલ્લંઘન અને સંભવિત કાર્યવાહી
ચહલ માટે આ બાબત ગંભીર કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે. ફ્લાઈટમાં સિગારેટ કે ઈ-સિગારેટ પીવા પર સખત પ્રતિબંધ છે, કારણ કે તે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છે અને તેનાથી આગ લાગવાનું જોખમ રહે છે. જો આ મામલે તપાસ થશે, તો ચહલને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવી શકે છે, જેનો અર્થ છે કે તેના પર હવાઈ મુસાફરી કરવા માટે અમુક સમયનો પ્રતિબંધ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વર્ષ 2019 થી ‘ઈ-સિગારેટ નિષેધ અધિનિયમ (PECA)’ હેઠળ વેપ્સના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એક જવાબદાર એથ્લેટ દ્વારા જાહેર મંચ પર આવા પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ કરવો તે રમતગમતની ગરિમા અને દેશના કાયદા બંનેનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડ્રેસિંગ રૂમ બાદ હવે ફ્લાઈટમાં વિવાદ
ચાલુ આઈપીએલ સિઝનમાં ઈ-સિગારેટ સાથે જોડાયેલો આ બીજો મોટો વિવાદ છે. આ અગાઉ 28 એપ્રિલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ મુલ્લાંપુર સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા જોવા મળ્યા હતા. તે ઘટનામાં BCCI એ કડક વલણ અપનાવીને પરાગ પર મેચ ફીના 25% નો દંડ ફટકાર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે BCCI ચહલ વિરુદ્ધ કેવા પગલાં લે છે.
ચહલના દાવાઓ સામે સવાલ
ચહલ માટે આ વિવાદ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આઈપીએલ 2026 શરૂ થતા પહેલા તેમણે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે તેમણે છેલ્લા 6 મહિનાથી દારૂ છોડી દીધો છે જેથી તેઓ યુવાનો માટે આદર્શ બની શકે. હવે આ વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમના આ દાવાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે. અગાઉ પણ ચહલનો કાર ચલાવતી વખતે સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો હતો, જેને કારણે તેમની છબી ખરડાઈ હતી.
આ પણ વાંચો: બંગાળમાં 15 વર્ષના મમતા શાસનનો અંત: રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી












