અમદાવાદગુજરાત

પોલીસનું ફિલ્મી સ્ટાઇલે ઓપરેશન: ત્રણ વર્ષથી ફરાર પોક્સો આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ 3 ડિસેમ્બર 2025: દહેગામ પોલીસે બોલિવુડ ફિલ્મોને પણ મ્હાત આપે તેવું અનોખું ઓપરેશન પાર પાડીને ત્રણ વર્ષથી ફરાર  પોક્સો કેસના આરોપીને મહેસાણાના ટી.બી. રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ધનપાલસિંહ ચૌહાણ (ઉં.વ. આશરે ૩૫)ને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે વેશ પલટો કરીને ફુગ્ગા, શાકભાજી અને કટલરી વેચનાર વ્યાપારીઓનું રૂપ ધારણ કર્યું હતું.

આ કેસની શરૂઆત ૨૦૨૧માં દહેગામમાં થઈ હતી. આરોપી ધનપાલસિંહે એક સગીરા વયની છોકરીને ચોકલેટ અને નાસ્તાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીડિતા તરફથી ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આરોપીએ જામીન જમ્પ કરી દીધા હતા અને ભાગી છુટ્યો હતો.

ત્યારથી આરોપી અલગ-અલગ શહેરોમાં છુટક મજૂરી કરતો ફરાર જીવન જીવતો હતો. તાજેતરમાં પોલીસને બાતમી મળી કે તે મહેસાણાના ટી.બી. રોડ વિસ્તારમાં રહે છે અને નિયમિતપણે સ્થાનિક બજારમાં આવે છે. આ બાતમીના આધારે દહેગામ પોલીસે ખાસ ટીમ બનાવી અને ફિલ્મી ઢબે ઓપરેશનનું આયોજન કર્યું.

પોલીસકર્મીઓએ વેશ પલટો કર્યો અને બજારમાં ફુગ્ગા વેચનાર, શાકભાજીનો ઠેલો ધકેલનાર તેમજ કટલેરી વેચનાર વ્યાપારીઓનું રૂપ ધારણ કરીને વોચ ગોઠવી દીધો. ઘણા દિવસની રાહ જોયા બાદ આરોપી બજારમાં આવતાં જ પોલીસે તેને ઘેરી લીધો અને ઝડપી પાડ્યો. આરોપીને કોઈ શંકા ન આવે તે માટે પોલીસે આખું ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે પાર પાડ્યું હતું.

આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને પોલીસ કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેથી પીડિતાને ન્યાય મળી શકે.

આ પણ વાંચો: પાકિસ્તાની અવળચંડાઈથી ગુજરાતના માછીમારો ત્રસ્ત: દરિયાઈ સીમામાં વારંવાર અપહરણની ઘટનાઓ

Back to top button