PM મોદીએ ઇન્ડિયા AI સમિટમાં રજૂ કર્યું MANAV વિઝન, કહ્યું, “AI ભવિષ્ય નક્કી કરશે, જવાબદારી જરૂરી.”

PM નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે સમિટને વિશ્વના સૌથી મોટા અને ઐતિહાસિક AI સમિટમાંના એક તરીકે વર્ણવ્યું અને 140 કરોડ ભારતીયો વતી તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ સમિટમાં 100થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે. વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને યુવા સહભાગીઓ આ આયોજનને નવી ઊંચાઈ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમિટ ભારતમાં યોજાઈ રહી છે, જે માનવતાના લગભગ છઠ્ઠા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે, સૌથી મોટા ટેક ટેલેન્ટ પૂલનું કેન્દ્ર છે અને ટેક-સક્ષમ ઇકોસિસ્ટમનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે.
AI ભવિષ્ય નક્કી કરશે -PM
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે AIને જે દિશામાં આગળ વધારવામાં આવશે, એ જ ભવિષ્ય નક્કી કરશે. મશીન લર્નિંગથી લર્નિંગ મશીન સુધીની સફર ઝડપી, ઊંડી અને વ્યાપક છે. તેથી વિઝન મોટું હોવું જોઈએ અને જવાબદારી પણ એટલી જ મોટી હોવી જોઈએ. તેમણે કહ્યું કે અસલી પ્રશ્ન એ નથી કે ભવિષ્યમાં AI શું કરી શકે છે, પરંતુ એ છે કે વર્તમાનમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કયા હેતુ માટે અને કઈ દિશામાં કરી રહ્યા છીએ.
AI ને માનવ-કેન્દ્રિત બનાવવું જરૂરી- PM
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે AIને મશીન-કેન્દ્રિતથી માનવ-કેન્દ્રિત બનાવવું જરૂરી છે. તેને સંવેદનશીલ, જવાબદાર અને નૈતિક બનાવવું જ આ ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટનો મૂળ હેતુ છે. તેમણે કહ્યું કે ભારત AIને “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ની ભાવનાથી જોવે છે. AI માટે માણસ માત્ર ડેટા પોઇન્ટ કે કાચા સંસાધનો તરીકે ન રહી જાય, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તે માટે AIને લોકતંત્રાત્મક બનાવવું પડશે અને તેને સમાવેશ તથા સશક્તિકરણનું સાધન બનાવવું પડશે, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો માટે.
પ્રધાનમંત્રીએ MANAV વિઝન રજૂ કર્યું
પ્રધાનમંત્રીએ MANAV વિઝન રજૂ કરતાં જણાવ્યું કે, MANAV નો અર્થ “માનવ” છે. એટલે કે, M નો અર્થ છે નૈતિક અને એથિકલ સિસ્ટમ, A એટલે જવાબદાર શાસન વ્યવસ્થા, N એટલે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, બીજો A એટલે સુલભ અને સમાવેશી વ્યવસ્થા અને V એટલે કાયદેસર અને વિશ્વસનીય માળખું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ વિઝન માનવ-કેન્દ્રિત અને જવાબદાર AI વિકાસ માટે માર્ગદર્શક બનશે.
આજે દુનિયામાં બે પ્રકારના લોકો – PM
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દુનિયામાં બે પ્રકારના લોકો છે: એક જે AI માં ડર જુએ છે, અને બીજા જે AI માં ભવિષ્ય અને તકો જુએ છે. તેમણે કહ્યું કે ભારતને AIમાં ભય નહીં, પરંતુ ભવિષ્ય અને ભાગ્ય દેખાય છે. આ વિશ્વાસ સાથે ભારત AIને માનવ-કેન્દ્રિત વિકાસના સાધન તરીકે આગળ વધારી રહ્યું છે.
આ પણ વાંચો: અમે 15 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ કરી દીધું, પીએમ મોદી પણ આવું જ કરશે












