ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પેટ્રોલ-ડીઝલ થશે મોંઘું’, હવે RBI ગવર્નરે આપ્યા સંકેત… ગઈકાલે મંત્રીનું નિવેદન આવ્યું હતું

fuel crisis: શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના છે? કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી બાદ હવે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નરે પણ આવા સંકેતો આપ્યા છે. સરકારી તેલ કંપનીઓ પર કાચા તેલની વધતી કિંમતોનો ભારે બોજ વધતો જઈ રહ્યો છે, જે હાલની પરિસ્થિતિનું મુખ્ય કારણ બની રહ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં વધતા તણાવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જો આ સંકટ લાંબો સમય ચાલશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા રહેશે.

યુદ્ધ વધ્યું તો પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યો છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ લાંબા સમય સુધી ચાલુ રહે, તો ભારતની તેલ કંપનીઓ આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વની કુલ તેલ આવકના લગભગ 20 ટકા પરિવહન માટે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે.

મોંઘવારી અને અર્થતંત્ર પર દબાણ

કાચા તેલની વધતી કિંમતો, વધતી મોંઘવારી અને ઈંધણ આયાત પરની નિર્ભરતા ભારતીય અર્થતંત્ર પર દબાણ ઊભું કરી રહી છે. આથી સરકારી તેલ કંપનીઓ પર કાચા તેલના ભાવનો ભાર સતત વધી રહ્યો છે.

ગ્રાહકો પર ફૂટશે મોંઘવારીનો બોમ્બ

સંજય મલ્હોત્રાએ સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિસ નેશનલ બેંક અને IMF દ્વારા આયોજિત સમિટમાં જણાવ્યું હતું કે જો વૈશ્વિક ઊર્જા સંકટ વધુ ગંભીર બને, તો સરકાર લાંબા સમય સુધી રિટેલ ઈંધણના ભાવ સ્થિર રાખી શકશે નહીં. આવી સ્થિતિમાં વધેલા ભાવનો ભાર અંતે ગ્રાહકો પર આવી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટે બગાડ્યો ખેલ

વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ ભારત હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે ઊર્જા પુરવઠામાં અવરોધ અને કાચા તેલની કિંમતોમાં તેજ વધારાનો સામનો કરી રહ્યો છે. આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાં અવરોધથી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને ભારતના ઊર્જા આયાત બિલમાં વધારો થયો છે.

ભારત માટે મોટી ચિંતા

ભારત માટે કાચા તેલની વધતી કિંમતો એક મોટી ચિંતાનો વિષય છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. આવી સ્થિતિમાં જો ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો (Crude Price Hike) થાય, તો પરિવહન અને મેન્યુફેક્ચરિંગના ખર્ચમાં વધારો થાય છે. સાથે જ ભારતીય કરન્સી રૂપિયા પર પણ દબાણ વધે છે અને મોંઘવારી પર તેની સીધી અસર પડે છે.

સરકાર અને તેલ કંપનીઓ પર ભાર

હાલમાં કાચા તેલની કિંમતોમાં થયેલા વધારાનો મોટો ભાગ સરકાર અને સરકારી તેલ કંપનીઓ ભોગવી રહી છે. ઈંધણ પરની એક્સાઈઝ ડ્યૂટી પહેલેથી જ ઘટાડવામાં આવી છે, જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) વધતા નુકસાન છતાં બજાર આધારિત કિંમતો કરતાં ઓછા ભાવે પેટ્રોલ અને ડીઝલ વેચવાનું ચાલુ રાખી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, દરરોજ તેલ કંપનીઓને લગભગ 1600થી 1700 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવુ પડી રહ્યું છે.

યુદ્ધ બાદ ક્યાં પડી મોંઘવારીની માર?

યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી, સરકારે તેલ અને ગેસ સંકટને પહોંચી વળવા માટે અનેક પગલાં લીધાં છે. દરમિયાન, સરકારી ઈંધણ વિક્રેતા કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ સિવાયના ક્ષેત્રોમાં ભાવવધારાનો ભાર મૂક્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર, 5 કિલોના LPG સિલિન્ડર અને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટેના જેટ ફ્યુઅલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993નો વધારો નોંધાયો હતો. જોકે, રિટેલ પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGના ભાવ છેલ્લા ચાર વર્ષથી યથાવત છે.

PM મોદીએ કરી ઈંધણ બચાવવાની અપીલ

RBI ગવર્નરના તાજા નિવેદન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના નાગરિકોને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવા અને ઓછું ઈંધણ વાપરવા માટે અપીલ કરી ચૂક્યા છે.

આ ઉપરાંત કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ તાજેતરમાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી કે તેલ કંપનીઓ ઈંધણના ભાવ સ્થિર રાખીને કેટલા સમય સુધી નુકસાન સહન કરી શકશે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, “હું એમ નથી કહેતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં.”

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો બાદ સામાન્ય જનતા પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો

Back to top button