ધોધમાર વરસાદથી પાટણ જળબંબાકાર, હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Patan Rain : પાટણ જિલ્લામાં મેઘરાજા ભારે રૌદ્ર રૂપમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા દોઢ કલાકથી પાટણ શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત પડેલા ધોધમાર વરસાદને લીધે પાટણથી ઊંઝા અને સિદ્ધપુર તરફ જતા સ્ટેટ હાઈવે પર નદી વહેતી હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સિવાય, નવજીવન ચોકડીથી પાટણ-ચાણસ્મા હાઈવે પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અટવાયા છે અને અનેક જગ્યાએ ટ્રાફિકજામની પરિસ્થિતિ ઊભી થઈ છે.
રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
ભારે વરસાદની સૌથી વધારે વિપરીત અસર શહેરના પ્રથમ રેલવે ગરનાળા પર જોવા મળી છે. ચોમાસા દરમિયાન થોડા પણ વરસાદમાં આ ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આજે પણ અતિભારે વરસાદના પગલે ગરનાળામાં વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જતાં, વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગરનાળું વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયું છે. મુખ્ય રસ્તો બંધ થઈ જતાં સ્થાનિકો અને રાહદારીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળું બંધ થવાથી APMC અને એસપી (SP) ઓફિસ તરફ જતો મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. સાથે જ, શહેરમાંથી હાઈવે તરફ જતો વાહનવ્યવહાર પણ ખોરવાઈ જતાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કલાકોમાં આખું શહેર જળમગ્ન
સ્થાનિક રહીશો માટે આ દ્રશ્ય અજાણ્યું નથી; દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થતાં જ ગરનાળામાં પાણી ભરાઈ જવાના લીધે વાહનવ્યવહાર ઠપ્પ થઈ જાય છે. સ્થાનિકોનો સીધો એવો આરોપ છે કે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની યોગ્ય અને કાયમી કામગીરી કરવામાં આવી નથી, જેનો ભોગ આખરે સામાન્ય નાગરિકોએ બનવું પડે છે. હાલ ગરનાળું જળમગ્ન થવાના કારણે માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કે હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ગરનાળાની બંને બાજુ તરત જ બેરિકેડ્સ ગોઠવીને રસ્તો સલામત રીતે બંધ કરી દેવામાં આવે તેવી સ્થાનિકો જોરદાર માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:શ્રીલંકાએ ગૉલ ટેસ્ટમાં ઉતાર્યા 5 સ્પિનરો, 3 વર્ષ બાદ આ ખેલાડીની વાપસી
આ પણ વાંચો:રામાયણમાં સાત પાત્રો ભજવશે આ ટીવી સ્ટાર, યશ સાથેનું કનેક્શન રસપ્રદ












