મોટી દુર્ઘટના: ગોધરાના એક મકાનમાં આગ, એક જ પરિવારના 4નાં મોત

ગોધરા, 21 નવેમ્બર 2025: ગોધરામાંથી તાજેતરમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં વૃંદાવન નગર 2 વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી જતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થઈ ગયા છે. સેતુ ક્લબ સામે બનેલી આ ઘટનાથી આખા પંથકમાં હાહાકાર મચી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આજે (21 નવેમબર) સવારે સાત વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી હતી. આગનો ધુમાડો ઝડપથી સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. મકાનની ચારેય તરફ કાચ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો.
ધુમાડાના ગૂંગળામણથી ઘરમાં હાજર ચારેય વ્યક્તિના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોગ બનનાર તમામ ચારેય વ્યક્તિને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.












