પાકિસ્તાનની નફ્ફટાઈ, પહલગામ હુમલાના આતંકીઓને ગણાવ્યા સ્વતંત્રતા સેનાની

લાહોર, 25 એપ્રિલ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોના મોત માટે જવાબદાર આતંકવાદીઓને ‘સ્વતંત્રતા સેનાની’ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે નિવેદન આપ્યું હોવાના અહેવાલ છે. હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બુધવારે યોજાયેલી બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટી કાર્યવાહી કરી હતી. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની ઈસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતા ડારે કહ્યું, ’22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં હુમલા કરનારાઓ સ્વતંત્રતા સેનાની પણ હોઈ શકે છે.’
પાકિસ્તાને આ નિર્ણયો લીધા છે
પાકિસ્તાને ગુરુવારે ભારત સાથેના શિમલા કરાર અને અન્ય દ્વિપક્ષીય કરારને સ્થગિત કરી દીધા, તમામ વેપાર અટકાવ્યા અને ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી. તેણે એમ પણ કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ તેના માટે પાણીના પ્રવાહને રોકવા અથવા વાળવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધ કરવા સમાન હશે.
પાકિસ્તાને વાઘા બોર્ડર ક્રોસિંગ પણ બંધ કરી દીધું, SAARC વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા સસ્પેન્ડ કર્યા અને ભારતીય હાઈ કમિશનના લશ્કરી સલાહકારોને ત્યાંથી જવા કહ્યું હતું.
વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ જાહેરાતો કરવામાં આવી હતી. શરીફે પહેલગામ હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવાના ભારતના પગલા અંગે યોગ્ય પ્રતિભાવ અંગે ચર્ચા કરવા સરકારના મુખ્ય પ્રધાનો અને ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠકો યોજી હતી.
આ પણ વાંચો :- પાકિસ્તાનીઓના વિઝા સસ્પેન્ડ કરવાના નિર્ણય અંગે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા, જાણો શું છે












