ગલ્ફમાં 21 હજારથી વધુ પાકિસ્તાનીઓ પરત મોકલાયા, જાણો કારણો
Lahor : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન હવે અખાતી (ખાડી) દેશોમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પર સુરક્ષા તપાસ અને કડક કાર્યવાહી તેજ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, તાજેતરના મહિનાઓમાં 20 હજારથી વધુ પાકિસ્તાનીઓને ખાડી દેશોમાંથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટી સંખ્યા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી બહાર મોકલાયેલા લોકોની છે. પાકિસ્તાન સતત આ બંને દેશો સાથે સારા સંબંધો હોવાનો દાવો કરતું રહે છે, છતાં ખાડી દેશોની આ કાર્યવાહીથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની ભારે નામોશી થઈ છે.
પાકિસ્તાનીઓ વિરુદ્ધ કેવા ગુનાઓમાં કાર્યવાહી થઈ?
આ આંકડા પાકિસ્તાનના નાર્કોટિક્સ કંટ્રોલ મંત્રાલય દ્વારા ગુરુવારે નેશનલ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા મુજબ, કેટલાક પાકિસ્તાનીઓને શહેરોમાં થયેલા ઈરાની હુમલાઓ સાથે જોડાયેલા વીડિયો કે સામગ્રી બનાવવા અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બદલ પણ કસ્ટડીમાં લેવાયા અથવા ડિપોર્ટ કરાયા હતા. આ ડિપોર્ટ 1 માર્ચથી 13 જુલાઈ વચ્ચે GCC (ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ)ના 6 દેશોમાં થયા હતા. GCCમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સામેલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પાકિસ્તાનીઓને સુરક્ષા ચિંતાઓ, વિઝા અવધિ પૂરી થયા બાદ પણ રોકાવું, ગેરકાયદે પ્રવેશ, ભીખ માંગવી, ડ્રગ્સ સંબંધિત ગુના, આશ્રય (શરણ)ની અરજીઓ ફગાવી દેવાવી તેમજ નકલી કે ખોટા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર દેશ બહાર કાઢવામાં આવ્યા છે.
વિવિધ કેસોમાં કરાયેલી કાર્યવાહી અને દેશવાર વિગતો
સત્તાવાર આંકડા મુજબ, ફરાર જાહેર કરાયેલા 4,628 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 1,294 પાકિસ્તાનીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે અને 968 લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાસપોર્ટ ગુમ થવા સાથે જોડાયેલા 1,155 ડિપોર્ટ કેસ નોંધાયા છે, વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ 689 લોકોને દેશનિકાલ કરાયા છે અને 342 કેસોમાં લોકોને ખાડી દેશોમાં પ્રવેશવા જ દેવામાં આવ્યા ન હતા, જ્યારે 6,000થી વધુ ડિપોર્ટ કેસોને મંત્રાલયે ‘અન્ય’ શ્રેણીમાં રાખ્યા છે જેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. દેશનિકાલ કરાયેલા લોકોની યાદીમાં સાઉદી અરેબિયા સૌથી મોખરે છે, જ્યાંથી સૌથી વધુ 15,500 પાકિસ્તાનીઓને બહાર કાઢવામાં આવ્યા છે; ત્યારબાદ UAEમાંથી 3,803, ઓમાનમાંથી 1,606, બહેરીનમાંથી 521, કતારમાંથી 429 અને કુવૈતમાંથી 97 પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે.
પાકિસ્તાનના સંસદીય બાબતોના મંત્રી ડૉ. તારિક ફઝલ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે આ આંકડા માત્ર એવા લોકોના છે જેમને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ઔપચારિક કસ્ટડીમાં લેવાયા હતા અને પાકિસ્તાની મિશન દ્વારા ઈમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ઈશ્યૂ કર્યા બાદ ડિપોર્ટ કરવામાં આવ્યા. પોતાની મરજીથી કે માન્ય પાસપોર્ટ સાથે પરત ફરેલા લોકોનો આમાં સમાવેશ થતો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઈરાની હુમલાના વીડિયો બનાવવા પર પણ કાર્યવાહી
ઈરાન સંઘર્ષ દરમિયાન ઈરાની હુમલાઓ સાથે જોડાયેલા વીડિયો શૂટ કરવા, પોસ્ટ કરવા કે રી-શેર કરવા બદલ પણ પાકિસ્તાનીઓ પર પગલાં લેવાયા હતા. અહેવાલ મુજબ, માર્ચ મહિનામાં બહેરીને 6 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 5 પાકિસ્તાની નાગરિકો હતા. આ ઉપરાંત સંઘર્ષ દરમિયાન કેટલાક ખાડી દેશોમાં શિયા સમુદાયના લોકોની તપાસ અને દેખરેખ પણ વધારી દેવામાં આવી હતી.
પાકિસ્તાનને ખાડી દેશોનો મોટો આંચકો
ખાડી દેશોમાંથી આટલી મોટી સંખ્યામાં દેશનિકાલ થવાના સમાચારે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. લાખો પાકિસ્તાનીઓ ખાડી દેશોમાં કામ કરે છે અને પોતાના દેશમાં મોટી રકમ મોકલે છે (રેમિટન્સ), જે પાકિસ્તાનના અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ આધાર છે. આવી સ્થિતિમાં વધેલી સુરક્ષા તપાસ અને દેશનિકાલના પગલાંથી ત્યાં રહેતા પાકિસ્તાની પ્રવાસી કામદારોના ભવિષ્ય અને સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો :ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? સરકારે ઇથેનોલ કનેક્શન પર આપ્યો જવાબ
આ પણ વાંચો :ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસનો સપાટો: લિસ્ટેડ બુટલેગર્સ પર નજર, બોડકદેવમાંથી ₹4.07 લાખનો દારૂ ઝડપાયો












