ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાકિસ્તાને પણ ગુજરાતના લોકોને ભારત રવાના કર્યા, કચ્છના 37 લોકો પરત આવ્યા

  • મહેશપંથી મહેશ્વરી સમાજના 37 લોકોનો સંઘ પાકિસ્તાન ગયો હતો
  • આ સંઘને દસ જ દિવસમાં પરત કચ્છ આવવાની ફરજ પડી રહી છે
  • પાકિસ્તાનના ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવોના યાત્રાધામ છે

કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પગલે સર્જાયેલી રાજકીય સ્થિતિની અસરરૂપે ધાર્મિક યાત્રાએ ગયેલાં કચ્છના 37 લોકોને પાકિસ્તાને ભારત રવાના કર્યાં છે. કચ્છ જિલ્લાના મહેશપંથી મહેશ્વરી સમાજના 37 લોકોનો સંઘ પાકિસ્તાનમાં આવેલા યાત્રાધામોની દર્શનાર્થે એક મહિનાનું આયોજન કરીને ગયો હતો. દસ દિવસ પૂર્વે પાકિસ્તાન પહોંચેલા કચ્છના આ સંઘને દસ જ દિવસમાં પરત કચ્છ આવવાની ફરજ પડી રહી છે.

પાકિસ્તાનના ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવોના યાત્રાધામ છે

પાકિસ્તાનના મકલી ઠઠા, ઠરઈ, સેણી સહિત ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવોના યાત્રાધામ છે. ખડિયા યાત્રા માટે તા.16ના ગાંધીધામથી વાઘા બોર્ડર થઈને કરાંચી પહોંચેલા યાત્રાળુઓને મહેશ્વરી સમાજવાડીમાં આવકાર અપાયો હતો. પરંતુ પહેલગામની ઘટનાને કારણે પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને પરત 48 કલાકમાં દેશ છોડી જવા રવાના કરતાં આ સંઘ સંભવતઃ સોમવારે ભારત પરત ફરશે.

મહેશ્વરી સમાજમાં આ યાત્રાધામનું મહત્વ છે

કચ્છમાં આવેલા ચંદ્રુઆ ધામ- લાખોંદ, ત્રેઈજાર- રાયધણપર, મોટા મતિયા દેવ – ગુડથર અને લુણંગ દેવ લુણી, બગથડાધામ અંજાર યાત્રાધામનું જેટલું મહેશ્વરી સમાજમાં મહત્વ છે. એટલું જ મહત્વ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ચાર યાત્રાધામો લુણંગ દેવનું સ્વધામ- ઠરઈ, ધણી માતંગ દેવનું સ્વધામ – સેણી, માતઈદેવનું સ્વધામ ભાદ્રા હાજી સાવણ અને મામઈદેવનું સ્વધામ મકલી ઠઠાનું પણ છે. પાકિસ્તાનના કરાંચી સહિતના વિસ્તારોમાં મહેશ્વરી સમાજના લોકોની બહોળી વસ્તી હોવાથી સમયાંતરે કચ્છ- ગુજરાતથી મહેશ્વરી સંપ્રદાયના લોકો મળવા તેમજ ખાસ તો આ ચારેય યાત્રાધામોએ જતા હોય છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ : બિહારી અને બંગાળીઓને પોલીસે બાંગ્લાદેશી સમજી અટકાયત કરી

Back to top button