પહલગામ આતંકી હુમલો: સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યા 3 પાકિસ્તાની ગુનેગારોના પોસ્ટર

શ્રીનગર, 13 મે 2025: ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને અંજામ આપનારા ગુનેગારો હજુ સુધી પકડાયા નથી. હવે સુરક્ષા એજન્સીઓએ પહલગામ હત્યાકાંડ માટે જવાબદાર ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. શોપિયાન જિલ્લાના ઘણા વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પહલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો વિશે માહિતી આપનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા
ગયા મહિને પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. બુધવારે સવારથી દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સેનાથી લઈને NIA, પોલીસ અને અન્ય એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી.
આતંકવાદીઓ કઈ ભાષા બોલતા હતા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બૈસરન હુમલામાં સામેલ બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આ હુમલામાં બે પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ છે. આ આતંકવાદીઓએ 15 થી 20 મિનિટ સુધી AK-47 થી સતત ગોળીબાર કર્યો. હુમલો કરનારા બે આતંકવાદીઓ પશ્તુન ભાષામાં વાત કરી રહ્યા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ પાકિસ્તાની નાગરિક છે. બે સ્થાનિક આતંકવાદીઓની પણ ઓળખ કરવામાં આવી છે. તેમના નામ આદિલ અહેમદ ઠાકુર અને આસિફ શેખ હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલોમાં ઘાયલ સૈનિકોનો ખડકલો, પાકિસ્તાનની પોલ ખુલી ગઈ












