છાંગુરકાંડ પછી ધર્માંતરના બીજા મોટા કાવતરાંનો પર્દાફાશઃ દસની ધરપકડ, જાણો આઘાતજનક ઘટનાક્રમ વિશે
ઉત્તર પ્રદેશઃ 19 જુલાઈ, 2025: UP Love Jihad: છાંગુર ઉર્ફે જલાલુદ્દીન રેકેટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસે ગેરકાયદે ધર્માંતરણના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ માટે “ઓપરેશન અસ્મિતા” લોન્ચ કરવામાં આવ્યું હતું, જે હેઠળ 6 રાજ્યોમાંથી 10 લોકોની ધરપકડ કરવામાંઆ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નેટવર્કમાં સામેલ લોકો લવ જેહાદ દ્વારા ધર્માંતરણ કરતા હતા, વિદેશથી ભંડોળ મેળવતા હતા અને કટ્ટરતા ફેલાવતા હતા, જે આતંકવાદી સંગઠન ISIS ની સિગ્નેચર સ્ટાઇલ છે. આ નેટવર્ક પ્રતિબંધિત સંગઠનો પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI), સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાના પણ સંકેત મળ્યા છે.
બે બહેનોના ગુમ થવાના કેસમાં તપાસ દરમિયાન થયો ખુલાસો
આ વર્ષે માર્ચ મહિનામાં, આગ્રામાં પોલીસને બે સગી બહેનોના ગુમ થવા અંગે ફરિયાદ મળી હતી. તેમની ઉંમર 33 વર્ષ અને 18 વર્ષ છે. પોલીસે BNS અને UP પ્રોહિબિશન ઑફ અનલોફુલ કન્વર્ઝન ઑફ રિલિજિયન એક્ટ 2021 ની કલમ 87, 111 (3), 111 (4) અને 3/5 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે તપાસ કરી તો તેના તાર એક મોટા નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ કેસ સાયબર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને આ વિશે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી.
PFI અને પાકિસ્તાની સંગઠનો સાથે સંબંધો હોવાની આશંકા
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ નેટવર્ક ખૂબ જ સુનિયોજિત રીતે કામ કરી રહ્યું હતું. પ્રારંભિક તપાસમાં સંકેત મળ્યો કે આ જૂથ પ્રતિબંધિત સંગઠનો PFI, SDPI અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલું હતું. આગ્રા પોલીસની કાર્યવાહીમાં યુપી પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ATSનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન અસ્મિતા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
6 રાજ્યોમાં 11 ટીમોએ પાડ્યા દરોડા
પોલીસે જણાવ્યું હતું કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, યુપીના પોલીસ મહાનિર્દેશક અને અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) ના માર્ગદર્શન હેઠળ 11 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તેમજ દિલ્હી, રાજસ્થાન, ગોવા, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં મોકલવામાં આવી હતી. પુરાવા એકઠા કર્યા બાદ, સાત આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કરવામાં આવ્યા હતા અને બાદમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
‘ઓપરેશન અસ્મિતા’ હેઠળ આરોપીની ધરપકડ
- આયશા (એસ. બી. કૃષ્ણા)- ગોવા
- અલી હસન (શેખર રૉય)- કોલકાતા
- ઓસામા- કોલકાતા
- રહેમાન કુરૈશી- આગ્રા
- અબ્બૂ તાલિબ- ખાલાપાર, મુઝફ્ફરનગર
- મોહમ્મદ અલી- જયપુર, રાજસ્થાન
- જુનૈદ કુરૈશી- જયપુર
- મુસ્તફા (મનોજ)- દિલ્હી
- મોહમ્મદ અલી- જયપુર

ISIS થી પ્રેરિત હતું ષડયંત્ર
પોલીસ કહે છે કે આ નેટવર્ક ISISની મોડસ ઓપરેન્ડીથી પ્રેરિત હતું. આરોપીઓ તેમાં વિવિધ ભૂમિકાઓ ભજવતા હતા, જેમ કે યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમને ધર્માંતરણ માટે ઉશ્કેરવા, ધર્માંતરણ માટે દસ્તાવેજો તૈયાર કરવા અને તેમને કટ્ટરપંથી બનાવવા. આ ઉપરાંત, વિદેશથી ભંડોળ મેળવવાનું, તેનું ચેનલાઇઝેશન કરવાનું, સલામત ઘરો પૂરા પાડવાનું, કાનૂની સલાહ આપવાનું અને નવા ફોન અને સિમ કાર્ડ ગોઠવવાનું કામ પણ લોકોમાં વહેંચાયેલું હતું.
કેનેડા-અમેરિકાથી થતું ફન્ડિંગ
પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્કના તાર દિલ્હી, જયપુર, કોલકાતા, ગોવા, દેહરાદૂન અને ઉત્તર પ્રદેશના વિવિધ શહેરો સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ નેટવર્ક કથિત રીતે યુવતીઓને લવ જેહાદ અને કટ્ટરપંથીકરણ દ્વારા ફસાવીને ધર્માંતરણ કરાવતું હતું. આ માટે પૈસા પણ વિદેશથી આવતા હતા. તેને કેનેડા અને અમેરિકાથી પણ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ હજુ પણ ચાલુ છે અને નેટવર્કના અન્ય સભ્યોની શોધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: કેજરીવાલ અને ભગવંત માન મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજર રહી સમર્થન આપશે
આ પણ વાંચોઃ ‘એલિયન્સ આવશે..’, લિવિંગ નોસ્ટ્રાડેમસે જણાવ્યું કે બાબા વાંગાની ભવિષ્યવાણી કેવી રીતે સાચી પડી શકે છે












