‘એકસાથે ચૂંટણી લોકશાહી માટે ખતરો’, ONOE મુદ્દે કોંગ્રેસ અને AAPનો સરકાર પર પ્રહાર

ONOE Bill: ગુજરાતમાં ‘વન નેશન વન ઇલેક્શન’ ના મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની ત્રણ દિવસીય બેઠક ચાલી રહી છે. ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો સાથે વાર્તાલાપ થઈ રહ્યો છે. આ દરમિયાન વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ આ બિલનો કડક વિરોધ નોંધાવ્યો છે. બંને પક્ષોએ દલીલ કરી કે આ બિલ દેશના સંઘીય માળખા અને સંવિધાનની મૂળભૂત ભાવનાને અસર પહોંચાડી શકે છે. તેમના મતે, એકસાથે ચૂંટણી યોજવાનો પ્રયાસ સત્તાનું અતિશય કેન્દ્રીકરણ વધારશે અને રાજ્યોના અધિકારોને નબળા પાડશે.
કોંગ્રેસનો વિરોધ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા નેતા અમિત ચાવડાએ ‘વન નેશન વન ઇલેક્શન’ બિલનો કડક વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ બિલ દેશના સંઘીય માળખા અને સંવિધાનની મૂળભૂત ભાવનાના વિરુદ્ધ જઈ સત્તાનું અતિશય કેન્દ્રીકરણ કરવાનો પ્રયાસ છે. એકસાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થા મતદારોમાં ગૂંચવણ ઊભી કરી શકે છે અને રાજ્યોની સ્થાનિક સંસ્થાઓ તેમજ લોકોના મતાધિકાર પર નકારાત્મક અસર કરશે. તેમણે કહ્યું કે મધ્યાવધિ ચૂંટણી અને ચૂંટણી ખર્ચ ઘટાડા સંબંધિત જોગવાઈઓ પણ જમીની હકીકત સાથે સુસંગત નથી.
‘वन नेशन वन इलेक्शन’ बिल देश के संघीय ढांचे और संविधान की भावना के विरुद्ध सत्ता का केंद्रीकरण करने का प्रयास है। इस बिल से मतदाता भ्रमित होंगे और राज्यों की स्थानीय संस्थाओं तथा लोगों के मताधिकार सीमित हो जाएंगे।
मध्यावधि चुनाव और खर्च संबंधी प्रावधान जमीनी हकीकत के विपरीत हैं,… pic.twitter.com/VSM33UAeBD
— Amit Chavda (@AmitChavdaINC) May 20, 2026
તેમણે વધુમાં દલીલ કરી કે રાષ્ટ્રીય મુદ્દાઓની વચ્ચે સ્થાનિક અને પ્રાદેશિક પ્રશ્નો દબાઈ જવાની શક્યતા છે, જેના કારણે રાજ્યસ્તરના મહત્વના મુદ્દાઓને પૂરતું મહત્વ નહીં મળે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે આ બિલ રાજ્યોની વિધાનસભાઓના અધિકારોને મર્યાદિત કરવાની દિશામાં પગલું છે અને કોંગ્રેસ પાર્ટી તેનો દરેક સ્તરે કડક વિરોધ કરશે.
AAPનો વિરોધ
આ જ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે પણ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. JPC બેઠકમાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા તેમજ અનુપ શર્મા સહિતના આગેવાનોએ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક બાદ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ દેશની લોકશાહી, સંઘીય વ્યવસ્થા અને સંવિધાનના મૂળ સ્વરૂપ પર હુમલો છે. તેમણે આક્ષેપ કર્યો કે આ પ્રકારની વ્યવસ્થા રાજ્યોના અધિકારોને નબળા બનાવશે અને સ્થાનિક તથા પ્રાદેશિક મુદ્દાઓને પાછળ ધકેલી દેશે.
વન નેશન વન ઇલેક્શનની મિટિંગ બાદ AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, ધારાસભ્ય શ્રી @Gopal_Italia, ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava, ધારાસભ્ય શ્રી @KhavaHemat, @khbarot અને શ્રી અનુપ શર્મા ઉપસ્થિત રહ્યા.
આ સમગ્ર મુદ્દે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની… pic.twitter.com/bRMlSwzEbb
— AAP Gujarat (@AAPGujarat) May 20, 2026
AAPના નેતાઓએ વધુમાં જણાવ્યું કે દેશની વિવિધતા અને અલગ-અલગ રાજ્યોની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર એકસાથે ચૂંટણી યોજવાનો પ્રયાસ લોકશાહી માટે યોગ્ય નથી. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે લોકોના અવાજ અને રાજ્યોના અધિકારોની રક્ષા માટે તેઓ આ બિલનો વિરોધ કરશે.
આ વિરોધ JPCની ગુજરાત મુલાકાત વચ્ચે વધુ તીવ્ર બન્યો છે. ડિસેમ્બર 2024માં લોકસભામાં આ બિલ રજૂ થયું હતું ત્યારે પણ વિરોધી પક્ષોએ તેને ‘સંવિધાનના મૂળ માળખા પર હુમલો’ કહીને વિરોધ કર્યો હતો. કુલ 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અને AAP સહિતના વિરોધ પક્ષોનું માનવું છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓને પૂરતું મહત્વ નહીં મળે અને મતદારોના હિતોને નુકસાન પહોંચી શકે છે.
વિરોધ પક્ષોએ દલીલ કરી છે કે દેશની વિવિધ રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા અલગ-અલગ સમયગાળે થતી ચૂંટણીઓ લોકશાહી માટે વધુ યોગ્ય છે. તેમના મતે, એકસાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો અને સંઘીય માળખા વિરુદ્ધ છે.
આ પણ વાંચો: GCAS પોર્ટલની ખામીઓથી વિદ્યાર્થીઓ પરેશાન, ABVPએ ગુજરાતભરમાં કર્યો વિરોધ












