ગુજરાત

ભારતમાં દર 7માંથી એક પેશન્ટ ડાયાબિટીસથી પીડિત, દર 9 સેકન્ડે 1નું મોત

20 ડિસેમ્બર 2025 અમદાવાદ: આપણાં નજીકમાં તમે સાંભળ્યું જ હશે કે કોઇક ને તો ડાયાબિટીસ હશે જ. જોકે ડાયાબિટીસ હવે માત્ર વ્યક્તિગત આરોગ્યની સમસ્યા નથી રહી, પરંતુ આખા વિશ્વ માટે મોટી ચેતવણી બની ગઈ છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં ડાયાબિટીસના કેસોમાં ભારે વધારો થયો છે અને આવનાર સમયમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.

દુનિયામાં ડાયાબિટીસની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અંદાજ મુજબ હાલ વિશ્વમાં લગભગ 60 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે. એટલે કે 20 થી 79 વર્ષની વયના દર નવમાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ છે. ચિંતા કરવાની વાત એ છે કે જો આ જ રીતે વધારો ચાલુ રહ્યો, તો 2050 સુધીમાં આ આંકડો 85 કરોડને પાર કરી જશે. ડાયાબિટીસ માત્ર બીમારી નથી, પરંતુ તે મૃત્યુનું પણ એક મોટું કારણ બની રહી છે. વર્ષ 2024માં વિશ્વભરમાં દર નવ સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ ડાયાબિટીસને કારણે થયું હોવાનો અંદાજ છે.

ભારત માટે ખતરાની ઘંટડી
ભારતમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. હાલ ભારતમાં દર સાતમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે. વર્ષ 2024માં 20 થી 79 વર્ષની વયના લગભગ 9 કરોડ લોકો ડાયાબિટીસ સાથે જીવન જીવી રહ્યા હતા. આ સંખ્યાના આધારે, ભારત વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે આવે છે. જો આ વૃદ્ધિ આવી જ રહી તો, અંદાજ છે કે, 2050 સુધીમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 15 કરોડથી વધુ થઈ જશે. એટલે કે વર્ષ 200ની સરખામણીમાં લગભગ પાંચ ગણો વધારો જોવા મળશે.

છેલ્લા 25 વર્ષમાં કેટલો વધારો થયો?
વર્ષ 2000 : લગભગ 3.2 કરોડ દર્દી
વર્ષ 2011 : આશરે 6.1 કરોડ
વર્ષ 2024: લગભગ 9 કરોડ
વર્ષ 2050 (અંદાજ) : 15.6 કરોડથી વધુ
આ આંકડા બતાવે છે કે, ડાયાબિટીસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે.

દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારમાં જેટલા લોકો ડાયાબિટીસથી પીડાય છે, તેમાં 80 ટકાથી વધુ ફાળો માત્ર ભારતનો છે. એટલે કે આ વિસ્તારમાં ડાયાબિટીસનું સૌથી મોટું ભારણ ભારત પર છે. આવનારા વર્ષોમાં આ સમગ્ર વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધુ વધવાની શક્યતા છે.

દુનિયાના કયા વિસ્તારમાં વધુ દર્દીઓ છે?
વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ પશ્ચિમ પેસિફિક વિસ્તારમાં છે, જેમાં ચીન પણ આવે છે. ત્યારબાદ દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકા આવે છે. આફ્રિકામાં સંખ્યા ઓછી છે, પરંતુ ત્યાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ભવિષ્યની સ્થિતિ શું કહે છે?
2050 સુધીમાં ચીન અને ભારત ડાયાબિટીસના દર્દીઓમાં ટોચ પર રહેશે તો પાકિસ્તાન ત્રીજા ક્રમે આવી શકે છે. મીડિયા અહેવાલો અને અનેક રિપોર્ટ્સ મુજબ દુનિયાની કુલ વસ્તીમાંથી લગભગ 13 ટકા લોકો ડાયાબિટીસથી પીડાતા હશે.

 

Back to top button