સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ, બે વોન્ટેડ જાહેર

સુરત, 19 જુલાઈ 2025: સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ એરેસ્ટના એક મામલે ઉત્તરપ્રદેશના મથુરાથી સંતોષ સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મુંબઈ પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બે દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટમાં રાખીને 7 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આરોપીએ ફરિયાદીના સિમ કાર્ડનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનો ખોટો આરોપ મૂકી, સતત દબાણ અને માનસિક ત્રાસ આપીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સંતોષ સિંહે પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડ ગેંગને ભાડે આપ્યું હોવાનું કબૂલ્યું છે, જેમાં 4 લાખથી વધુની ગેરકાયદે રકમ જમા થઈ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને મથુરામાંથી ઝડપી લેવામાં આવ્યો.
સાયબર ક્રાઇમ સેલે આ કેસમાં નૈમેશ ચૌધરી અને પુસ્પેન્દ્ર ભોલાને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે ગેરકાયદે રકમ ટ્રાન્સફર અને ઉપાડવા માટે અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસ હવે બાકીના આરોપીઓને પકડવા માટે તપાસને વેગ આપી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાં ભર ચોમાસામાં પાણીનો હાહાકાર: આ સોસાયટીના રહીશોનો ભારે વિરોધ












